Mumbai,તા.30
મુંબઈમાં ગઈરાત્રીના રિવર્સમાં આવી રહેલી બેસ્ટની એક બસે ભાંડુપ રેલવે સ્ટેશન નજીક પગપાળા જઈ રહેલા લોકોને કચડતા તેમાં ચાર રાહદારીઓના મોત થયા છે અને અન્ય 13થી વધુ ઘાયલ થયા છે. રાત્રીના 9.25 કલાકે બનેલી આ દુર્ઘટનામાં બેસ્ટની બસ તેના એન્ડ પોઈન્ટ પર પહોંચ્યા બાદ ડ્રાઈવરે રાહદારીઓની ચિંતા કર્યા વગર જ બસને અત્યંત સ્પીડથી રિવર્સમાં દોડાવવાનું શરૂ કર્યુ હતું.
ઓચિંતી જ બસ આ રીતે ધસી આવતા રાહદારીઓનો એક મોટો સમુહ તેની હડફેટે ચડી ગયો અને ચારે તરફ નાસભાગ ચીસાચીસ થઈ હતી જેમાં સંખ્યાબંધ રાહદારીઓ બસની હેઠળ કચડાયા હતા જેમાં ત્રણ મહિલા અને એક પુરુષના મૃત્યુ થયા હતા જયારે 13 જેટલા રાહદારીઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
દુર્ઘટના સ્થળ પર દોડી આવેલી પોલીસે ડ્રાઈવરને તુર્તજ અટકમાં લઈ લીધા છે તેની મેડીકલ તપાસ કરવામાં આવી હતી તથા શા કારણે બસ આ રીતે રીવર્સમાં લેવાઈ તે પણ તપાસ થઈ રહી છે. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે બસની હેઠે કચડાયેલા લોકોને બહાર લાવવામાં ખાસ પ્રયાસ કરવા પડયા હતા.
સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ ભાંડુપ રેલવે સ્ટેશન આસપાસ ભારે ભીડ હોય છે અને તેમાં અગાઉ બેસ્ટની નાની બસો ચાલતી હ્તી તેના બદલે પુરા કદની મોટી બસો મુકાતા તેના કારણે ટ્રાફીક અડચણ વધી છે અને ટર્ન વિ. સામે આ બસો ટ્રાફીક જામ કરે છે તેવી અગાઉ પણ ફરિયાદ થઈ હતી.
રાજય સરકારે મૃતકના પરિવારને રૂા.5-5 લાખ આપવા તથા ઈજાગ્રસ્તોને પણ આર્થિક મદદની જાહેરાત કરી છે તથા પુરી દુર્ઘટનાની તપાસ માટે કમીટી બનાવવા જાહેરાત કરી છે.

