Washington,તા.05
વેનેઝુએલા પર `કબ્જા’નો દાવો કર્યા બાદ અમેરિકાના પ્રમુખ હવે દક્ષિણ અમેરિકાના વધુ દેશોને ધમકી આપી રહ્યા છે તે વચ્ચે ફરી એક વખત તોપનું નાળચુ ભારત ભણી ફેરવતા રશિયન ક્રુડતેલ મુદે નવી ધમકી આપી છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વાટાઘાટ ચાલુ છે અને તેમાં અમેરિકી કૃષિ, ડેરી પ્રોડકટસને માટે ભારતના દરવાજા ખુલ્લા નહી કરવા મોદી સરકાર મકકમ છે તેમાં ટ્રમ્પે ભારત દ્વારા જે રશિયન ક્રુડતેલ ખરીદાય છે તે જો નહી અટકાવાય તો વધુ ઉંચા ટેરીફ લાદવાની ધમકી આપી છે.
અમેરિકાએ અગાઉ રેસીપ્રોકલ- ભારતના અમેરિકી ઉત્પાદનોની આયાત પર જે ટેરિફ છે તેની સામે 25% ટેરીફ તથા રશિયન ક્રુડતેલ ખરીદવા પર વધુ 25% સેસ કુલ 50% ટેરીફ લાદયા છે.
જો કે ભારતે તેમાં અમેરિકી દબાણ હેઠળ આવવાનો ઈન્કાર કરવા સાથે અમેરિકા પાસેથી એલએનજી સહિતની પેટ્રો આયાત વધારી ટ્રમ્પને શાંત કરવા પ્રયાસ કર્યા જ છે તેમ છતાં પણ ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે ફરી આરોપ લગાવ્યો કે રશિયા ક્રુડતેલની કમાણીની યુક્રેન સામે લાંબુ યુદ્ધ લડવામાં સફળ થયુ છે અને જો ભારત હવે રશિયન ક્રુડતેલ મુદે અમેરિકાને મદદ નહી કરે તો અમો ભારત પર ટેરીફ વધારી શકીએ છીએ.
હાલ ભારત એ અમેરિકાના સૌથી ઉંચા ટેરીફ હેઠળ છે. ચીન જે રશિયન ક્રુડતેલનું સૌથી મોટું ખરીદાર છે તેને અનેક કારણોસર અમેરિકાને દાદ આપતું નથી. પ્રમુખ ટ્રમ્પે તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધુ હતું અને મોદીને અલગ વ્યક્તિ ગણાવતા કહ્યું કે તેઓ જાણે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ખુશ નથી. વ્હાઈટ હાઉસે પ્રમુખ ટ્રમ્પના આ વિધાનોને ઓડિયો પણ રિલીઝ કર્યો છે,
એ પણ ટ્રમ્પ માને છે કે, તેઓને ખુશ કરવા જરૂરી છે. (ટ્રમ્પના શબ્દો) અને અમો બહું જલ્દી ટેરીફ વધારી શકીએ છીએ. ટ્રમ્પ વેનેઝુએલાના એકશન બાદ અમેરિકાના અન્ય પગલા અંગે વાત કરી રહ્યા હતા તે સમયે ભારત અંગે આ કહ્યું હતું. અગાઉ ટ્રમ્પે એક મુલાકાતમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીને તેમને ખાતરી આપી છે કે તે તબકકાવાર રશિયન ક્રુડતેલ ખરીદવાનું બંધ કરશે.
જો કે ભારતે તેવી કોઈ ખાતરી અપાઈ હોવાનો ઈન્કાર કર્યો હતો અને જાહેર કર્યુ હતું કે ભારતની ઉર્જાનીતિ તેની આવશ્યકતા અને રાષ્ટ્રીય સલામતીના આધારે નિશ્ચિત થાય છે. હવે ટ્રમ્પની આ નવી ચેતવણી ભારત-અમેરિકા વચ્ચે ફરી તનાવ વધારી શકે છે.

