Surendaranagar, તા.6
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે કાર્યરત ‘એનેસી સોલાર પ્લાન્ટ પ્રા.લી.’ કંપની ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં રહેલી આ કંપની પર હવે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાનો આક્ષેપ લાગ્યો છે.
સોલાર પ્લાન્ટના વીજ જોડાણ માટે નાખવામાં આવેલા કુલ 73 વીજપોલ પૈકી 48 વીજપોલ કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વગર સરકારી જમીન પર ઊભા કરી દેવામાં આવ્યા છે. આ મામલો બહાર આવતા જ સ્થાનિક તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સામે લાંચના કેસમાં થયેલી કાર્યવાહી સાથે પણ ‘એનેસી સોલાર પ્લાન્ટ પ્રા.લી.’ના જમીન સંપાદન સંબંધિત તાર જોડાયેલા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
સરકારી સંપત્તિનો ખાનગી ફાયદા માટે ઉપયોગ કરવાના આ કૃત્યથી લોકોમાં ભારે આક્રોશ છે. જાગૃત નાગરિક અશ્વિનભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દે રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા આપવામાં આવેલા જવાબમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે 48 વીજપોલ સરકારી જમીન પર પૂર્વ મંજૂરી વગર જ ઊભા કરી દેવાયા છે.

