Gandhinagar, તા.૨૫
કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટે અને વિવાદો કોર્ટમાં પહોંચે તે પહેલાં જ ઉકેલાઈ જાય તેવા ઉમદા હેતુથી ભારત સરકારે ગુજરાતમાં ૨૪ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ભારતમાં પહેલીવાર વર્ષ ૨૦૨૩માં ઘડાયેલા ‘મિડિયેશન એક્ટ’ની જોગવાઈ હેઠળ આ સમિતિની નિમણૂક કરીને સમગ્ર વ્યવસ્થાને અમલમાં લાવવામાં આવી રહી છે. આ સમિતિના સભ્યો દ્વારા કેસ કોર્ટમાં જાય તે પહેલાં જ બંને પક્ષકારોને સાથે બેસાડીને સુખદ સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.ગુજરાતમાં મધ્યસ્થીની આ મહત્ત્વની કામગીરી કરવા માટે નિયુક્ત કરવામાં આવેલા ૨૪ સભ્યોમાં સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને બિઝનેસ-ઉદ્યોગ ક્ષેત્રે વર્ચસ્વ ધરાવનારા લોકોની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ૨૪ સભ્યોને કાયદાકીય અને મધ્યસ્થીની પ્રક્રિયા સમજવા માટે ૪૦ દિવસની વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. આગામી સમયમાં મધ્યસ્થીની આ સિસ્ટમ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે અને મિડિયેટરે આ તમામ કેસોમાં સંપૂર્ણ ગુપ્તતા જાળવવી પડશે.વેપાર-ઉદ્યોગને લગતા કે પછી અન્ય પ્રકારના વિવાદોમાં સમિતિના સભ્યો બંને પક્ષોને સમાધાન સુધી લઈ જશે. સમાધાન થયા બાદ બંને પક્ષો પાસે એફિડેવિટ પર લખાણ કરાવી સહી-સિક્કા સાથે તે કોર્ટમાં મોકલી આપવામાં આવશે, જેના આધારે કોર્ટ તેના પર અંતિમ ઓર્ડર કરી દેશે.આ ઉપરાંત, નાના નગરો અને ગ્રામીણ સ્તરની કોર્ટમાં પહોંચેલા અને કેસોના ભારણને કારણે લાંબા સમયથી હિયરિંગ પર ન આવતા કેસોની ફાઈલો પણ આ ૨૪ સભ્યોની સમિતિને મોકલવામાં આવશે. સમિતિને આવા કેસોમાં ૧ મહિનાનો સમય આપીને સમાધાન કરાવી નિરાકરણ લાવવા જણાવવામાં આવશે.ભારત સરકારે ઘડેલો મિડિયેશન એક્ટ મધ્યસ્થીની કામગીરીને વધુ મજબૂત બનાવશે. અગાઉ જર્મની, જાપાન, ઈટાલી, નેધરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ અને સ્લોવેનિયા જેવા દેશોમાં મિડિયેશનની આ પ્રથા સફળતાપૂર્વક અમલમાં આવી ચૂકી છે, તેવી જ વ્યવસ્થા હવે ભારતમાં શરૂ થઈ રહી છે. આંકડાકીય વિગતો મુજબ, આ પ્રથાને કારણે બ્રિટનમાં ૯૨ ટકા, સિંગાપોરમાં ૮૯ ટકા અને ઑસ્ટ્રેલિયામાં ૬૬ ટકા કેસોમાં કોર્ટમાં જતાં પહેલાં જ સમાધાન થઈ જાય છે, જેનાથી ત્યાંની અદાલતોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.’

