પોલીસે લોકસહયોગથી ₹૯.૫૦ લાખના ખર્ચે ૨૬ સીસીટીવી કેમેરા મુકાવ્યા, ગુનેગારો પર બાજ નજર રાખશે કેમેરા
Rajkot,તા.27
આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુજરી બજાર અને માંડાડુંગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ગુનાખોરી પર લગામ કસવા માટે આજીડેમ પોલીસે પ્રશંસનીય પહેલ કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોના લોકસહયોગથી રૂપિયા ૯,૫૦,૦૦૦ના ખર્ચે કુલ ૨૬ હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા ગોઠવી આજીડેમ પોલીસ ચોકી ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ એમ, આજીડેમ ચોકડી નજીક દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં અસામાજિક તત્વો દ્વારા ચોરી અને મિલકત સંબંધી ગુના આચરવામાં આવતા હતા. ટેક્નિકલ સર્વેલન્સના અભાવે આરોપીઓ પકડથી બહાર રહેતા હતા. L
આ ગંભીર સમસ્યાઓ ઉકેલવા આજીડેમ પીઆઈ એચ.એન. પટેલે ટીમના કર્મચારીઓ સાથે મળી વિસ્તારના ઔદ્યોગિક એકમો તથા શૈક્ષણિક સંસ્થાઓના માલિકોનો સંપર્ક કર્યો હતો. લોકસહયોગની અપીલને પ્રતિસાદ મળતાં બન્ને વિસ્તારોને કવર કરતાં મુખ્ય પોઈન્ટ્સ આઈડેન્ટીફાઈ કરીને ૨૬ નાઈટ-વિઝન અને હાઈ-રિઝોલ્યુશન કેમેરા ફીટ કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી કંટ્રોલ રૂમ ધમધમતો થતાં જ આ વિસ્તારોમાં ચોરી અને લૂંટ જેવા મિલકત સંબંધી બનાવોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત અકસ્માત સર્જીને નાસી છૂટતા વાહનચાલકોને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી રહી છે.

