New Delhi,તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ઈઝરાયલ પ્રવાસથી દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ આ પ્રવાસની આકરી ટીકા કરતાં તેને ‘નૈતિક કાયરતા’ ગણાવી છે. ત્યારે આ વચ્ચે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની એક પોસ્ટમાં ઓવૈસીએ આ પગલાને પેલેસ્ટાઈન પ્રત્યે ભારતના ઐતિહાસિક સમર્થન સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. ઓવૈસીએ એવો પણ દાવો કર્યો છે કે, પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે.
ઓવૈસીએ પોતાની પોસ્ટની શરૂઆતમાં જ ગાઝાની સ્થિતિને ‘નરસંહાર’ ગણાવી દીધી છે. તેમણે લખ્યું કે, ગાઝામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે હંમેશા ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. AIMIM પ્રમુખે ઈઝરાયલના વડા પ્રધાન તરફ ઈશારો કરતા તેમને ‘યુદ્ધ અપરાધી’ કહ્યા, જેમની સામે ધરપકડ વોરંટ જારી છે. તેમણે પીએમ મોદીની ટીકા કરતા કહ્યું કે, આવા સમયમાં ઈઝરાયલનો પ્રવાસ કરવો અને એક ‘યુદ્ધ અપરાધી’ને ગળે લગાવવા એ ભારતની સ્થાપિત વિદેશ નીતિની વિરુદ્ધ છે.
ઓવૈસીએ કહ્યું કે, ભારતે હંમેશા પેલેસ્ટિનિયન લોકો અને તેમના અધિકારોનું સમર્થન કર્યું છે. તેમના મતે વર્તમાન વડા પ્રધાનનો આ પ્રવાસ ભારતના લાંબા સમયથી ચાલતા સૈદ્ધાંતિક સમર્થન સાથે સીધો વિશ્વાસઘાત છે. ઓવૈસીએ મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ વધવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી કે, પીએમ મોદીનો આ પ્રવાસ પૂર્ણ થતાં જ અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે. તેમણે પોતાની પોસ્ટનો અંત ‘ઝાયોનિઝમ મુર્દાબાદ’ના નારા સાથે કર્યો છે, જે ઈઝરાયલની રાજકીય વિચારધારા ઝાયોનિઝમ પ્રત્યે તેમના આકરા વિરોધને દર્શાવે છે.કોંગ્રેસે વડા પ્રધાન મોદીના ઈઝરાયલ પ્રવાસ પહેલા બુધવારે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખી દુનિયા ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટીકા કરી રહી છે, ત્યારે વડા પ્રધાન મોદી ત્યાં “નૈતિક કાયરતા”નો પરિચય આપવા જઈ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કરી હતી કે, ’20 મે, 1960ના રોજ જવાહરલાલ નેહરુ ગાઝામાં હતા અને ત્યાં સંયુક્ત રાષ્ટ્રના ઈમરજન્સી ફોર્સની ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. 29 નવેમ્બર, 1981ના રોજ ભારતે પેલેસ્ટાઇન સાથે એકતા વ્યક્ત કરતા એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરી હતી. 18 નવેમ્બર, 1988ના રોજ ભારતે પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક રીતે માન્યતા આપી હતી.’

