America,તા.04
અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો બિયોએ ફરી એકવાર દાવો કર્યો કે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું છે. તેનાથી વિપરીત, ઘાતક હુમલાઓ ચાલું રહ્યાં હતાં. બીજી તરફ બિયોએ હાઉસ ફોરેન અફેર્સ કમિટીને જણાવ્યું કે અમેરિકાએ જીત મેળવી લીધી છે.
“અમે હવે ઈરાનની અંદર તેમની સેનાને નબળી પાડવા માટે સતત હુમલા નથી કરી રહ્યા, કારણ કે ‘એપિક ફ્યુરી’ હવે ખતમ થઈ ચૂક્યું છે.” અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામ આપવામાં આવ્યું છે. આ ઓપરેશન 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા પ્રથમ હુમલા બાદથી સમગ્ર મિડલ-ઈસ્ટને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યું છે.
બિયોએ જીતની સ્પષ્ટતા કરી
બિયોએ કહ્યું, કે “અમે જીતને એ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે ઈરાનના સંરક્ષણ ઔદ્યોગિક આધારને નષ્ટ કરી દેવામાં આવ્યા, તેમની પાસે રહેલાં મિસાઇલ લોન્ચર્સની સંખ્યામાં ભારે ઘટાડો કરવામાં આવ્યો અને તેમનાં ડ્રોનના જથ્થાને મોટા પ્રમાણમાં ઓછો કરી દેવામાં આવ્યો છે .અમે આ બધું હાંસલ કર્યું છે. આ ઉપરાંત, અમે તેમની પાસે બચેલી થોડીઘણી વાયુસેનાને પણ તબાહ કરી દીધી અને તેમની આખી નૌસેનાનો સફાયો કરી દીધો.”
બિયોએ સાંસદોને ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત વિશે માહિતી આપતાં જણાવ્યું કે ઈરાનનો યુરેનિયમનો ભંડાર ચર્ચાનું મુખ્ય કેન્દ્ર હતો અને તેહરાને હજુ સુધી કોઈ શાંતિ સમજૂતી પર સહમતી નથી દર્શાવી.
બિયોએ હાઉસ કમિટીને જણાવ્યું, “મને લાગે છે કે અત્યારે જે કેટલાક કાગળોની આપ-લે થઈ છે તેમાં આ વાતનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે, પરંતુ હજુ સુધી પણ અમને ઈરાન તરફથી અંતિમ મંજૂરી મળી નથી.”

