Amreli તા. 16
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વન્ય પશુઓ દ્વારા હુમલાના બનાવોમાં વધારો જોવા મળી રહયો છે. આવા બનાવોમાં ખેતમજુર પરિવારનાં સભ્યો ભોગ બનતાં હોય જેને લઈ વાડી વિસ્તારમાં રહેતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યાંરે આજે બપોરનાં સમયે ગીર કાંઠાનાં ધારી તાલુકાના ગોવિંદપુર ગામ નદી વિસ્તાર એક સિંહણે એક મહિલા ઉપર જીવલેણ હુમલો કરી મહિલાને ફાડી ખાતા મહિલાને ધારી દવાખાને ખસેડાયેલ હતી. જ્યારે વનવિભાગ ઘટનાં સ્થળે પહોંચી માનવભક્ષી સિંહણને પીંજરે પુરવા કાર્યવાહી હાથ ધરેલ હતી. અને માત્ર ગણતરીના કલાકોમાં માનવ ભક્ષી સિંહણને દલખાણીયા રેન્જ દ્વારા પીંજરે પુરવામાં સફળતા મેળવેલ છે.
આ બનાવમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ધારી તાલુકાના ચલાલા ગામનાં વતની અને હાલ ગોવિંદપુર ગામે નદી વિસ્તારમાં આવેલ કેરીનો બગીચામાં કામ કરી રહેલ મંજુલાબેન ધીરૂભાઈ સોલંકી આશરે ૪૫ વર્ષીય મહિલા સહિતનાં લોકો કામ કરી રહયાં હતાં.
ત્યારે બપોરનાં સાડા ત્રણ વાગ્યા આસપાસ જંગલ વિસ્તારમાંથી અચાનક જ એક સિંહણે આવી ઝપટ બોલાવી મહિલા ઉપર હુમલો કરી દીધો હતો. ત્યારે મહિલાએ ચીસાચીસ કરી મુકતા આજુબાજુમાં કામ કરી રહેલા શ્રમિકો એક્ઠાં થઈ જતાં અને મહિલાને સિંહણના મોં માંથી છોડાવવા માટે હાકલા પડકારા તથા લાકડીઓ જમીન ઉપર પછાડી અને મહામુસીબતે મહિલાને છોડાવી હતી.
ત્યારે આ મહિલાનાં પતિ સહિતનાં લોકોએ તેણીને ધારી સરકારી દવાખાને ખસેડતાં ફરજ પરનાં તબીબે તેણી મૃત જાહેર કરી હતી. આ બનવાની જાણ વનવિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગના આર.એફ.ઓ. તેમજ પોલીસ ઘટનાં સ્થળે પહોંચી માનવભક્ષી સિંહણને પીંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી હતી. અને માત્ર ગણતરીના કલાકોમાં માનવ ભક્ષી સિંહણને દલખાણીયા રેન્જ દ્વારા પીંજરે પુરવામાં સફળતા મેળવેલ છે. આ બનાવને લઈ વાડી વિસ્તારમાં રહેતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમાં હાશકારો જોવા મળેલ હતો.

