ટોળું હોટલમાં પણ ગયું હતું, તે સમયે ૧૨ લોકોના ટોળાએ અપશબ્દો કહીને હોટલ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું
Ahmedabad, તા.૨૨
ધંધુકામાં ધર્મેશ ગામારાની હત્યા બાદ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જે બાદ તંત્રએ આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
મંગળવારે ધંધુકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધંધુકાથી રાણપુર ચાર રસ્તા પરના આશરે ૧૫થી વધુ ગેરકાયદેસર શેડ દૂર કરાયા હતા. સાથે ખાટકીવાડમાં પાંચ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરાયું હતું. સાથે સાથે હત્યાના આક્રોશ સાથે દુકાનોમાં તોડફોડ દરમિયાન ત્રણ લોકો પર હુમલો કરનાર ટોળા સામે મારામારી અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે.
ધંધુકામાં રહેતા સાહીલ મલેક હોટલ ચલાવે છે. ગત તા.૧૮મીએ ધંધુકામાં હત્યાના બનાવ બાદ ધંધુકામાં દુકાનો બંધ કરાવવા ગયેલું ટોળું સાહીલની હોટલમાં પણ ગયું હતું. તે સમયે ૧૨ લોકોના ટોળાએ અપશબ્દો કહીને હોટલ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી સાહીલના પિતા દુકાન બંધ કરતા હતા. ત્યારે ટોળાએ સાહીલના પિતા અને કાકા ઇમરાનભાઇ પર હુમલો કરીને માર માર્યો હતો. જે બાદ સાહીલને લાકડાના ફટકા મારતા ત્રણેય લોકોને સારવાર માટે ખસેડ્યા હતા. જેથી હોટલ માલિક સાહિલે આ મામલે હવે ધંધુકા પોલીસમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે મંગળવારે બુલડોઝરની પ્રક્રિયા દરમિયાન ધંધુકા રાણપુર રોડ પરના ૧૫થી વધુ ગેરકાયદે શેડ દૂર કર્યા હતા. તો ફેદરા ધંધુકા હાઈવે પરના ૧૨ એકમોને નોટિસ અપાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલા ડિમોલેશનમાં મળવતવાડામાં એક પાક્કુ મકાન પણ તોડી પાડવામાં આવ્યું હતું. ગૌવંશના આરોપી અભરામભાઈ ઉર્ફે મુન્નો મસ્તાનનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ તેના ઘર પાસેથી ૨૦ ગાયો પોલીસે મુક્ત કરાવી હતી ત્યારે હવે મકાન પર ગેરકાયદે કબ્જો હોવાથી તોડી પાડવામાં આવ્યું હતું. સાથે ધર્મેશ ગમારાની હત્યાના આરોપી રિઝવાન અને સમીરના મકાનોના દસ્તાવેજી પુરાવા તપાસીને કાર્યવાહી કરાશે.

