Amreli, તા.23
અમરેલીમાં ચાલતી અનુકંપા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા સિનિયર સીટીઝનો માટે સોમનાથ-દ્વારકાની યાત્રાનું અવાર નવાર વિનામૂલ્યે આયોજન થાય છે. ત્યારે આ અનુકંપા ફાઉન્ડેશન નામની સંસ્થાના સ્થાપક ડો. ભરત કાનાબાર આજે બપોરે પોતાની ક્લિનિકના ક્ધસલ્ટિંગ રૂમમાં હતાં.
ત્યારે અચાનક એક મોટી ઉંમરના બહેન ત્યાં આવેલ અને કહે કે, સાહેબ, હું તમારી સંસ્થા દ્વારા સિનિયર સીટીઝનો માટે થતી સોમનાથ-દ્વારકાની યાત્રામાં જઈ આવી છું. આ બહેને આગળ જણાવતાં કહ્યું કે, મને થયું કે ‘જાત્રા મફત ના કરાય’ એટલે તમારી આ સંસ્થાને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે મારી શક્તિ મુજ્બ એક હજાર રૂપિયાનો ફાળો દેવા આવી છું.
ત્યારે આ સંસ્થાના સ્થાપક ડો. ભરત કાનાબારે આ બેનને કહ્યું કે, અમારી સંસ્થાને આ યાત્રાના ખર્ચ માટે દાતાઓ તરફથી મદદ મળે છે. અને વડીલોને નિ:શુલ્ક યાત્રા કરાવવાનો અમારો સંકલ્પ છે. એટલે તમારો ફાળો લેઇ શકાય નહી. પણ આખરે આ બહેનનો અતિ આગ્રહને કારણે તેમનો ફાળો સંસ્થાએ સ્વીકારવો પડ્યો હતો.
આ અંગે ડો કાનાબારે જણાવ્યું હતું કે, તેઓએ આ બહેનને ઘણી વખત અમરેલીની માર્કેટમાં સાયકલ પર બંને બાજુ મોટા થેલા લટકાવી સાયકલ હાથેથી દોરીને ચાલતા જતા જોયેલા છે. વધુ પૂછતાં ખબર પડી કે આ બહેન છેલ્લા 33 વર્ષથી પ્લાસ્ટિકની કેરી બેગ્સ દુકાને દુકાને જઈ વેચવાનું કામ કરે છે.
સંસ્થાને આવા સેવાકાર્યો માટે અનેક સાધન સંપન્ન દાતાઓ દ્વારા મળતા હજારો રૂપિયાના દાન કરતા એક સામાન્ય પરિવારમાંથી આવતા આ બહેનનો એક હજાર રૂપિયાનો ફાળો ખુબ મોટો છે.

