Bhavnagar,તા.30
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સારવદર ગામે વાડી વિસ્તારમાં મહાદેવ ગાળા જવાના રસ્તે સીમેન્ટ મિક્સર મશીનના રૃ.૧૦,૦૦૦ના ભાડાના હિસાબ બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સશ ધીંગાણું ખેલાયું હતું. ધારીયા અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો ઉડતા બંને પક્ષે ઈજાગ્રસ્તોને સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે.
ઘોઘા તાલુકાના સારવદર વાડી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ રતનભાઈ ગોહેલના મોટાભાઈ જયંતીભાઈ પાસે હેતરાજને સીમેન્ટના મીક્ષર મશીનના ભાડાના રૃ.૧૦,૦૦૦ બાકી નીકળતા હતા. આ પૈસાનો હિસાબ કરવા માટે હેતરાજએ જયંતીભાઈને વાડીના શેઢે બોલાવ્યા હતા. ત્યાં ઉગ્ર બોલાચાલી થતાં હેતરાજે ધારીયા વડે જયંતીભાઈના માથાના પાછળના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો, જ્યારે નીકુલે ધોકા વડે ગળા-ગાલના ભાગે ફટકો માર્યો હતો અને તુલશીભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે સામે પક્ષે નીકુલભાઈ તુલશીભાઈ ગોહેલે વળતી ફરિયાદ નોંધાવી છે કે તેઓ આર.સી.સી બાંધકામ કોન્ટ્રાક્ટથી સારું કમાતા હોઈ સામા પક્ષને ગમતું ન હતું અને પૂરા પૈસા આપી દીધા હોવા છતાં તેઓ ઉઘરાણી કરતા હતા. જયંતીભાઈએ ફોન કરીને નીકુલને વાડી બહાર બોલાવી અચાનક કુહાડીનો ઘા ડાબા હાથે મારી દીધો હતો. ત્યારબાદ પ્રકાશએ પ્લાસ્ટીકના પાઈપ વડે પીઠ પર આડેધડ માર માર્યો હતો, મગનભાઈએ પકડી રાખ્યો હતો, ગવુંબેને પથ્થરમારો કર્યો હતો અને કલુબેને ગાળો આપી હતી. આ બનાવ સંદર્ભે બન્ને પક્ષે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

