Cartagena, તા.૨૫
કોલંબિયાના કાર્ટાજેના શહેરમાં હથિયારધારી લૂંટારુઓએ સુપરમાર્કેટ પર કબજો જમાવી ગ્રાહકો અને કર્મચારીઓ સહિત આશરે ૩૦ લોકોને બંધક બનાવતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. શહેરના લા કાસ્ટેલાના વિસ્તારમાં આવેલા સુપરમાર્કેટમાં આ ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારુઓએ મોલમાંથી રોકડ લઈ જતી આર્મર્ડ કેશ વાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા કેમેરા ઓપરેટરો દ્વારા પેનિક બટન દબાવી પોલીસને જાણ કરવામાં આવતાં લૂંટારુઓ સુપરમાર્કેટમાં ઘૂસી ગયા અને લોકોને બંધક બનાવી લીધા.સુપરમાર્કેટમાં બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવા માટે લૂંટારુઓએ આશરે ૨૦ લાખ ડોલરની ખંડણી માગી હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર, ખંડણી ઉપરાંત બે આર્મર્ડ વાહનો અને સુરક્ષિત રીતે બેરાનક્વિલા શહેર સુધી પહોંચવાની માગ પણ કરવામાં આવી છે. જોકે, ખંડણીની આ માગ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાને પગલે સુપરમાર્કેટની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને નાગરિકોને ઘટનાસ્થળથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.બંધક સંકટને ૧૨ કલાકથી વધુ સમય વીતી જતાં સુરક્ષા દળોનું ઓપરેશન વધુ ગંભીર બન્યું છે. સેના, પોલીસ અને સ્પેશિયલ ફોર્સે સુપરમાર્કેટને ચારે તરફથી ઘેરી લીધું છે. આસપાસની ઇમારતોની છત પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો છે. બંધકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને કારણે કાર્ટાજેના એરપોર્ટ પર ફ્લાઇટ્સનું લેન્ડિંગ થોડા સમય માટે રોકવામાં આવ્યું હતું, જોકે બાદમાં કામગીરી ધીમે ધીમે સામાન્ય થવા લાગી હતી.સુરક્ષા ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ બંધકોને મુક્ત કરાયા હોવાના અહેવાલ છે, જેમાં પાંચ વૃદ્ધ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં આશરે ૩૦ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે બાદના અહેવાલોમાં ઓછામાં ઓછા ૨૦ લોકો હજુ પણ લૂંટારુઓના કબજામાં હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંધકોની ચોક્કસ સંખ્યા અંગે અલગ-અલગ અહેવાલો સામે આવી રહ્યા છે. પોલીસે હજુ સુધી બંધકોની સંપૂર્ણ સ્થિતિ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી નથી.કોલંબિયાના રાષ્ટ્રપતિ એબેલાર્ડો ડે લા એસ્પ્રિએલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સેના તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા ઓપરેશનની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિએ પ્રાથમિક રીતે આ ઘટનાને સામાન્ય ગુનેગારો દ્વારા કરવામાં આવેલી લૂંટનો પ્રયાસ ગણાવ્યો છે અને તેમાં ગેરિલા કે આતંકવાદી સંગઠનની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે. હાલ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવવા માટે વાટાઘાટો અને સુરક્ષા કાર્યવાહી ચાલુ છે.

