New Delhi તા.4
ભીષણ ગરમીના લાંબા તબકકામાંથી પસાર થઈ રહેલા ભારત માટે સારા સમાચાર આવી ગયા છે અને નૈઋત્યનું ચોમાસુ કેરળના દરિયાકિનારે પહોંચી ગયું છે અને કેરળ તથા તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝમાઝમ વરસાદ શરુ થઈ ગયો છે. સામાન્ય રીતે તા.1 જૂનના રોજ ચોમાસાનુ આગમન થાય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ મોડુ ચોમાસુ કેરળના દરિયાકિનારે પહોંચ્યું છે.
અગાઉ હવામાનખાતાએ તા.26 મે એટલે કે સામાન્ય શેડયુલ કરતા વ્હેલુ ચોમાસુ આવી જશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પ્રારંભમાં ધમાકાભેર આગળ વધ્યા બાદ થોડુ ધીમુ પડી ગયુ હતું અને તેનાથી નિર્ધારિત તા.1 જૂનના બદલે આજે તા.4 જૂનના ચોમાસાએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે.
હવામાનખાતાએ ચોમાસાના આગમનની સતાવાર જાહેરાત કરી છે અને કેરળમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાને આગળ વધવા માટે તમામ ફેકટર મહત્વપૂર્ણ રીતે યથાવત હોવાથી ચોમાસુ દેશમાં તેના નિર્ધારિત શેડયુલ મુજબ આગળ વધશે તેવા સંકેત છે.
જો કે બીજી તરફ દેશના આ વર્ષના ચોમાસા પર અલનીનોનું સંકટ યથાવત રહ્યું છે અને તેથી ચોમાસાની ગતિ પર હવે હવામાન ખાતાની નજર રહેશે. અલનીનો આ માસથી જ સક્રીય થશે તેવો ભય છે અને હવામાનખાતાએ અગાઉ જ આ વર્ષનુ ચોમાસુ 90 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે.
દેશના કૃષીક્ષેત્ર માટે નૈઋત્યનું ચોમાસુ સૌથી મહત્વનું છે અને ખરીફ પાક તેમજ ત્યારબાદ રવિપાક બંને આ ચોમાસા પર આધાર રાખે છે અને નબળુ ચોમાસુ એ ખાદ્ય ઉત્પાદન પર પણ અસર કરી શકે છે.
હવે અલનીનો કેટલો પ્રભાવ બતાવે છે તેના પર નજર છે. બીજી તરફ હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે હાલની ચોમાસાની સ્થિતિ જોતા જુલાઈના મધ્ય સુધીમાં તે દેશનાં તમામ વિસ્તારોમાં પહોંચી જશે.

