Vadodara,તા.01
કોમ્પ્યુટરમાં આવેલી ઝીપ ફાઇલ ઓપન કરતાની સાથે જ કેમિકલ કંપનીના કોમ્પ્યુટર તથા તેમાં લોગીન વોંટ્સએપનો એક્સેસ આરોપીઓ પાસે જતો રહ્યો હતો. તેના આધારે ફેક આઇ.ડી.વાળું વોટ્સએપ બનાવી કંપનીના એકાઉન્ટન્ટને અરજન્ટ પેમેન્ટનો મેસેજ કરીને આરોપીઓએ 60 લાખ પડાવી લીધા હતા.
નિઝામપુરા શાસ્ત્રી નગરમાં રહેતા અને અમીયોદયા પેટ્રોકેમ નામની કંપની ચલાવતા ઉદય જતીનભાઇ શાહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 19 મી ઓગસ્ટે મારી કંપનીના એકાઉન્ટન્ટ સોનલબેને પૂછ્યું હતું કે, જી.એસ.ટી. ટેક્સ ભરવાનો છે અને બીજા પેમેન્ટ કરવાના છે. જેથી, તેના માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. તેમણે 1 કરોડની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મારી ગણતરી મુજબ 35 થી 40 લાખની જરૂર હોવી જોઇએ. જેથી, મેં સોનલબેન કંદોઇને કહેતા તેમણે એવો જવાબ આપ્યો કે, આજે સવારે તમારા દ્વારા વોટ્સએપમાં જણાવ્યા પ્રમાણે બે અલગ-અલગ કંપનીમાં 30-30 લાખના બે ટ્રાન્જેક્શન કરી દીધા છે. મને આશ્ચર્ય થયું કારણકે મેં એવું કોઇ પેમેન્ટ કરવા જણાવ્યું જ નહતું. તેઓએ કોમ્પ્યુટર પર મારા ડીપી અને નામવાળા વોટ્સએપ એકાઉન્ટ પર મેસેજ બતાવ્યો હતો.
ગત 19 મી તારીખે સવારે કોઇ અજાણ્યા ભેજાબાજોએ મારી કંપનીના ઓફિસિયલ ઇમેલ આઇડી પર તેઓના ઇમેલ એડ્રેસથી એક ફ્રોડ મેલ કર્યો હતો. જેમાં એક ઝીપ ફાઇલ હતી. તે ફાઇલ અમારી કંપનીના કોમ્પ્યુટર પર એકાઉન્ટન્ટ સોનલબેન કંદોઇએ ઓપન કરી હતી. તે ફાઇલ મારફતે અમારી કંપનીના કોમ્પ્યુટરનો ગેરકાયદે એક્સેસ આરોપીઓએ મેળવી લીધો હતો. થોડા સમય પછી તેઓએ અમારી ઓફિસના કોમ્પ્યુટરમાં અમારું ઓફિસિયલ મોબાઇલ નંબરવાળું વોટ્સએપનું લોગીન પણ મેળવી લીધું હતું. ત્યારબાદ મારો ફોટો મેળવી અન્ય નંબરના વોટ્સએપના ડીપીમાં મારો ફોટો રાખી સોનલબેનને અરજન્ટ પેમેન્ટનો મેસેજ કર્યો હતો. તેઓએ કુલ 60 લાખ રૂપિયા આ રીતે પડાવી લીધા હતા. જે રૂપિયા યુનિક ગેજેટ્સ એન્ડ સર્વિસ પ્રા.લિ. તથા એજી માર્ટના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. મને સાયબર ફ્રોડ થયાની જાણ થતા તરત જ 1930 નંબર પર ડાયલ કરી અરજી આપી હતી.

