Surat,તા.01
સુરતમાં હોટ ફિક્સ કચરાના જાહેરમાં નિકાલને લઈને ઊભા થયેલા વિવાદ અને આરોગ્ય-પર્યાવરણ સામેના જોખમ વચ્ચે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. હોટફિક્સ કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે પાલિકાના કોર્પોરેટરોને રજૂઆતો થઈ રહી છે ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.
પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ સહિતના વિસ્તારોમાં હોટફિક્સ તથા પ્લાસ્ટિક કચરાના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હોટફિક્સ કચરો ઔદ્યોગિક કચરાની શ્રેણીમાં આવતો હોવાથી તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલની જવાબદારી સંબંધિત ઉદ્યોગોની હોવા છતાં રહેણાંક વિસ્તારોમાં ચાલતા નાના યુનિટો અને કારીગરો માટે કચરાના નિકાલની વ્યવસ્થા મોટો પ્રશ્ન બની છે. જાહેર સ્થળોએ કચરો ઠલવાતા ગંદકી ઉપરાંત આગના બનાવો અને આરોગ્ય માટેના જોખમને કારણે મુદ્દો વધુ ગંભીર બન્યો છે.
બીજી તરફ, કડક કાર્યવાહીથી નાના વેપારીઓ અને કારીગરોની રોજગારી પર અસર ન પડે તે બાબતને પણ ધ્યાનમાં રાખીને મંત્રીએ વ્યવહારુ ઉકેલ શોધવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં હોટફિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને નિકાલ માટે અલગ પ્લોટ ફાળવવા સહિતના વિકલ્પો અંગે વિચારવિમર્શ થયો હતો. સ્વચ્છતા જળવાઈ રહે, જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ અટકે અને સાથે નાના પરિવારોની આજીવિકા પર વિપરીત અસર ન પડે તે રીતે પાલિકા દ્વારા ઉકેલ શોધવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે.

