Mumbai,તા.૨૦
અક્ષય કુમારની સુરક્ષા કાર સોમવારે મુંબઈમાં અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેતા અને તેની પત્ની, ટિ્વંકલ ખન્ના, એરપોર્ટથી તેમના જુહુના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં એક ઓટો રિક્ષા ચાલક ઘાયલ થયો હતો. હવે, તેના ભાઈનું નિવેદન બહાર આવ્યું છે. તેણે ઓટો-રિક્ષા ડ્રાઈવરની સ્થિતિ અંગે અપડેટ શેર કર્યું છે.
ઓટો-રિક્ષા ડ્રાઈવરના ભાઈ મોહમ્મદ સમીરએ જણાવ્યું, “આ ઘટના રાત્રે ૮ થી ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ બની. મારો ભાઈ રિક્ષા ચલાવી રહ્યો હતો ત્યારે અક્ષય કુમારની ઈનોવા અને એક મર્સિડીઝ તેની પાછળ હતી. જ્યારે મર્સિડીઝે ઈનોવાને ટક્કર મારી, ત્યારે ઈનોવા રિક્ષા સાથે અથડાઈ. પરિણામે, મારો ભાઈ અને અન્ય એક મુસાફર કાર નીચે ફસાઈ ગયા. આખી રિક્ષા નાશ પામી. મારા ભાઈની હાલત ખૂબ જ ગંભીર છે. મારી એક જ વિનંતી છે કે મારા ભાઈની યોગ્ય સારવાર કરવામાં આવે અને રિક્ષાને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. અમને બીજું કંઈ જોઈતું નથી.”
મુંબઈ પોલીસે પણ અકસ્માત વિશે માહિતી શેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જુહુ વિસ્તારમાં બે કાર અને એક ઓટોરિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની એસ્કોર્ટ કાર પણ સામેલ હતી. ઘાયલોને બાદમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કાર અકસ્માતમાં અક્ષય કુમાર અને ટિ્વંકલ ખન્ના સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કામના મોરચે, અક્ષય કુમાર સૈફ અલી ખાન સાથે ફિલ્મ “હૈવાન” માં અભિનય કરી રહ્યા છે. સૈયામી ખેર હિરોઈન છે. પ્રિયદર્શન ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની ધારણા છે.

