Mehsana, તા.૨૯
Mehsanaમાં શાળા સમયના જૂના મિત્ર અને તેની પત્નીએ કેનેડાના વર્ક પરમિટ તથા ઁઇ વિઝા અપાવવાના બહાને મહેસાણાના એક યુવાન વેપારી પાસેથી ટુકડે-ટુકડે રૂ.૫૦ લાખ પડાવી લઈ ઓફિસ અને ઘર બંધ કરી ફરાર થઈ ગયા છે. આ મામલે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી તિરૂપતી શાહીબાગ ટાઉનશીપમાં રહેતા અને કલોલ ખાતે સ્પેરપાટ્ર્સનો વેપાર કરતા હિરેનભાઈ કાન્તીભાઈ પટેલ (ઉ.વ.૩૪) વર્ષ ૨૦૧૦માં મહેસાણા ખાતે ધો-૧૦માં અભ્યાસ કરતા હતા ત્યારે કુશલકુમાર નવીનચંદ્ર પટેલ (રહે.ઓમકાર બંગ્લોઝ, ચાંદખેડા, અમદાવાદ) તેમની સાથે અભ્યાસ કરતો હતો.
અભ્યાસ પૂર્ણ થયા બાદ બંને છૂટા પડ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં મહેસાણાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બંનેની અચાનક મુલાકાત થઈ હતી. વાતચીત દરમિયાન કુશલ પટેલે જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની અવનીબેન પટેલ અમદાવાદના નવરંગપુરા ખાતે ‘કેશવમ ઇન્ટરનેશનલ પ્રા.લિ.’ નામે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવે છે અને લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે. કામ ન થાય તો પૂરેપૂરાં નાણાં પરત કરવાની ખાતરી આપતાં હિરેનભાઈએ જૂની મિત્રતા પર ભરોસો મૂકી કેનેડા જવા માટે પોતાની ફાઇલ તેમને સોંપી હતી.કેનેડા વર્ક પરમિટ અને ઁઇ પ્રોસેસના ખર્ચ પેટે કુશલ પટેલે રૂ.૫૦ લાખનો ખર્ચ કહ્યો હતો. તેણે સમય-સમયે પ્રોસેસ ફી, સ્પોન્સર લેટર અને અન્ય ચાર્જના નામે રકમની માંગણી શરૂ કરી હતી, વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન બેન્ક ટ્રાન્સફર મારફતે રૂ.૪.૫૦ લાખ, અમદાવાદ ઓફિસે રૂબરૂ તા.૩૦/૭/૨૦૧૮ના રોજ રોકડા રૂ.૧૨.૫૦ લાખ અને તા.૩૦/૮/૨૦૧૯ના રોજ રોકડા રૂ.૮.૫૦ લાખ, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ વધુ રૂ.૧૧.૫૦ લાખ અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્પોન્સર લેટર પ્રોસેસના બહાને વધુ રૂ.૧૧.૫૦ લાખ રોકડા મેળવ્યા હતા.
ઓક્ટોબર ૨૦૨૪માં બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટના નામે રૂ.૧.૫૦ લાખ ગૂગલ-પે મારફતે કુશલ અને અવનીબેનના ખાતામાં મેળવ્યા હતા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ અમદાવાદમાં હિરેનભાઈનું બાયોમેટ્રિક પણ કરાવાયું હતું. ત્યારબાદ વિઝા આવી ગયા હોવાના અને તારીખ ચૂકી જવાના બહાના બનાવ્યા બાદ, આખરે ૩ મે ૨૦૨૫ના રોજ કુશલે હિરેનભાઈના ઘરે આવીને જણાવ્યું કે, ફાઇલ રિજેક્ટ થઈ ગઈ છે અને લીધેલા તમામ રૂ.૫૦ લાખ ટૂંક સમયમાં પરત કરી દેશે. જો કે, નાણાં પરત ન આપી વાયદા કર્યા બાદ આરોપીઓએ પોતાના ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. હિરેનભાઈએ અમદાવાદ સ્થિત ઓફિસ અને નિગમનગર, ચાંદખેડા ખાતેના નિવાસસ્થાને તપાસ કરતાં માલૂમ પડ્યું કે આરોપીઓ ઓફિસ બંધ કરી તેમજ ભાડાનું મકાન ખાલી કરીને ફરાર થઈ ગયા છે. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં હિરેનભાઈએ મહેસાણા પોલીસ સમક્ષ અરજી આપી હતી. જેના આધારે મહેસાણા તાલુકા પોલીસે કુશલકુમાર પટેલ અને અવનીબેન પટેલ સામે છેતરપિંડી સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

