Bhavnagar,તા.21
ભાવનગરના સીદસર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ક્વોડે ફિલ્મી ઢબે પીછો કરીને સુરતથી દારૂનો જથ્થો ભરીને આવતી એક કારને ઝડપી લીધી છે. આ કાર્યવાહીમાં 112 બોટલ વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 7.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સહિત કુલ 4 લોકો સામે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સીદસર રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન સુરત તરફથી આવી રહેલી એક હોન્ડા કાર નં. જીજે-10-છ-5757 ને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ઉભી રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને સીદસર ગામ પાસે આવેલ નાળા નજીકથી આ કારને આંતરી લીધી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછમાં ડ્રાઈવર સીટ પર રહેલ ગોપાલ રાણાભાઈ મેર (રહે. સીદસર, ભાવનગર) અને બાજુની સીટ પર બેઠેલ અર્જુન મેરાભાઈ ચબડ (રહે. સરતાનપર, ભાવનગર) નામના શખ્સો હોવાનું ખુલ્યું હતું. આ બંને શખ્સો સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભાવનગરના ફુલસર ગામમાં રહેતા હરેશ ગોવિંદ આલગોતર માટે મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે વિદેશી દારૂની 112 બોટલ (કિંમત રૂ. 3,42,480), કાર (કિંમત રૂ. 3.65 લાખ) અને મોબાઈલ મળી કુલ રૂ. 7,08,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ અંગે વરતેજ પોલીસ મથકમાં ઝડપાયેલા બે શખ્સો અને દારૂ મંગાવનાર હરેશ આલગોતર સહિતના કુલ 4 લોકો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

