અંબર ચોકડી બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કરાતાં પાંચ કર્મચારીઓ ઘાયલ થયા હતા
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૪
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ મહાનગરપાલિકાના કર્મચારીઓ પર મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો હતો, જેમાં પાંચ કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જે પૈકી કેટલાકને રાઉન્ડઅપ કર્યા છે.
ફરિયાદ અનુસાર, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને અંબર ચોકડી પાસે આવેલા નવા બ્રિજ નીચે થયેલા દબાણો દૂર કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ટીમ દ્વારા સ્થળ પર રહેલી ઘરવખરી અને અન્ય સામાન ટ્રેક્ટરમાં ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ત્યાં રહેતા કનૈયાલાલ પરમાર, તેનો પુત્ર ઉદલ કનૈયાલાલ પરમાર, નંદલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો તથા અન્ય અજાણ્યા સ્ત્રી-પુરુષો ઉશ્કેરાઈ ગયા હતા.
આરોપીઓએ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. ત્યારબાદ અચાનક મરચાં સ્પ્રે છાંટીને કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. કર્મચારીઓ બચવા માટે ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પથ્થરોનો ભારે મારો શરૂ કર્યો હતો.
હુમલામાં એસ્ટેટ શાખાના કર્મચારી ચેતનસિંહ જાડેજાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને આઠ ટાંકા લેવા પડ્યા હતા. મહિપત દાઉદીયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા નવ ટાંકા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ફેજલ ખફી, વિજયસિંહ ઝાલા અને વિજય રાઠોડને પણ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્યાં તમામની સધન સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓએ અગાઉ પણ અનેક વખત દબાણકારોને સ્થળ ખાલી કરવાની સૂચના આપી હતી. તેમ છતાં તેઓએ સ્થળ ખાલી ન કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રોષે ભરાયેલા આરોપીઓએ સરકારી ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટનાને લઈને પોલીસે કનૈયાલાલ પરમાર, ઉદલ કનૈયાલાલ પરમાર, નંદલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો તેમજ અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ, સરકારી ફરજમાં અડચણ, ગેરકાયદે મંડળી રચવા, હુમલો કરવા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ બનાવને પગલે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ફરજ બજાવતા કર્મચારીઓ પર થયેલા હુમલાને લઈને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જામનગર શહેર વિભાગ ના ડીવાયએસપી જે એન ઝાલા ની રાહબરી હેઠળ સીટી બી ડિવિઝનના પી.આઈ.એન.એમ. ગઢવી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ઉપરોક્ત વિસ્તારને કોર્ડન કરી લઈ કોમ્બિંગ હાથ ધર્યું હતું, અને કેટલાક આરોપીઓને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

