Una, તા.19
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામમાં એક વેપારી પર બુટલેગર અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જાહેર મા દારૂના ખુલ્લેઆમ વેચાણનો વિરોધ કરવા બદલ આ ઘટના બની હતી. આ ઘટનાના વિરોધમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ગામમાં રેલી કાઢી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોકડવા ગામમાં હીરાબા કરિયાણા એન્ડ જનરલ સ્ટોરના માલિક ચીમનભાઈ બળદાણીયાની દુકાન શાક માર્કેટ પાસે આવેલી હોય તેમની દુકાન પાસેની ગલીમાં ગઈ કાલે કેટલાક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું. ચીમનભાઈએ બુટલેગરને દારૂ વેચવાની ના પાડતા, તે ઉશ્કેરાઈ ગયો હતો. બુટલેગર ત્યાંથી ચાલ્યો ગયો હતો.
પરંતુ બાદમાં તેના સાગરીતોને લઈને વેપારીની દુકાને પહોંચી તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા ભારે ખળભળાટ મચી ગયો હતો અને આ ઘટના અંગે ચીમનભાઈએ અન્ય વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ગામના આગેવાનોને જાણ કરી હતી. જેના પગલે બપોર ના સમયે વેપારીઓ શાક માર્કેટ પાસે ઉમટી પડ્યા હતા. તેમણે પોતાના વેપાર-રોજગાર બંધ રાખી ગીરગઢડા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને ગામમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ બનાવમાં બુટલેગરે વેપારી વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ, વેપારી ચીમનભાઈ એ પણ હુમલાખોરો અશરુ સુલતાન બ્લોચ, સમીર અશરુ બ્લોચ, મકસુદ ગફાર આરબ અને સાહિલ ગફાર આરબ વિરુદ્ધ ગીરગઢડા પોલીસમાં અરજી કરી છે. વેપારીઓ પર થયેલા હુમલાની આ ઘટનાથી વેપારી ઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.વેપારીઓની માંગ છે કે હુમલાખોરો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદનોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

