Morbi તા.11
મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદત આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે મંગળવારે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમા હેતુફેર તેમજ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીના કામને બહાલી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને પંચાયત કચેરીના સભાખંડની અંદર ખાસ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ડીડીઓ સહિતના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા કુલ 24 સભ્યો પૈકીના પ્રમુખ સહિતના 13 જેટલા સભ્યો હાજર રહ્યા હતાં. બેઠકમાં અન્ય કોઈ ખાસ એજન્ડા કે કોઈપણ સભ્ય તરફથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા ન હતા જેથી ગણતરીની મિનિટોમાં જ આ સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ હતી.
આ બેઠકમાં ખાસ કરીને સ્વભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળ જે કામો અગાઉ મંજૂર કરવામાં આવ્યા હોય પરંતુ વહીવટી કે સૈદ્ધાંતિક મંજૂરી આપવાની બાકી હોય તો તે કામોને મંજૂરી આપવા માટેના એજન્ડા લેવામાં આવ્યા હતા જેમાં 22 લાખના હેતુફેરના કામ. 1 કરોડના જુદા જુદા વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અને 1.92 કરોડના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓની જૂની બોલેરો ગાડીનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલ હોય તેને કંડમ કરવાના એજન્ડાને પણ બહાલી આપવામાં આવી હતી.

