China,તા.10
ટેરિફના મારથી ચીનની નિકાસમાં મે મહિનામાં સ્પષ્ટ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ચીનમાં લોકોની ખરીદ-શક્તિ પણ તૂટી રહી હોવાના સમાચાર મળ્યા છે. પરિણામે ચીન ઉપર મંદીના ઓળા પથરાઈ રહ્યા હોય તેમ સ્પષ્ટ લાગે છે.
૨૦૨૦ના પ્રારંભ સમયથી નોંધાયેલી અમેરિકામાં થતી ચીનની નિકાસ અત્યારે તળીયે પહોંચી ગઈ છે. ફેક્ટરી ગેઇટ ઉપરથી થતું માલનું વેચાણ છેલ્લાં બે વર્ષમાં તળીએ પહોંચી ગયું છે. તેવામાં અમેરિકા સાથેની વ્યાપાર-વાટાઘાટો ચીનનાં માથા ઉપર ઝળુંબી રહી છે. મે મહિનામાં અમેરિકામાં થતી ચીનની નિકાસ છેલ્લાં ત્રણ મહિનાના પ્રમાણમાં સૌથી નીચે ગઈ છે. ઉંચા ટેરિફને લીધે શિપમેન્ટસ ઘટી રહ્યાં છે.
ફેક્ટરી-ગેઈટ-ડીફલેશન (ફેક્ટરીમાંથી થતાં વેચાણનો ઘટાડો) ટ્રમ્પના ટેરિફને લીધે વધી ગયું છે.
ઘર-આંગણે પણ માલની માગ ઘટી છે. લોકો જેટલું હોય તેટલાથી ચલાવી રહ્યાં છે. આમ એક તરફ નિકાસ ઘટાડો અને બીજી તરફ ઘરઆંગણે પણ થતો વપરાશનો ઘટાડો તેમ બેવડો માર ચીનનાં અર્થતંત્રને પડી રહ્યો છે.
પેસિફિક વિસ્તારના તેના કેટલાક સાથીઓ સાથે સંબંધોમાં વિશેષત: આર્થિક સંબંધોમાં સ્પષ્ટ ચઢ-ઉતર થઈ રહી છે. પ્રમુખ ટ્રમ્પની ‘ગ્લોબલ ટ્રેડ વોર’ અને સાયનો-યુએસ ટ્રેડ ટાઇઝ (ચીન-અમેરિકા-વ્યાપાર-સંબંધો)માં આવેલી ઓટને લીધે ચીનની યુ.એસ.માં થતી નિકાસ પર ઘણી માઠી અસર થઈ છે. ચીનનો કસ્ટમ્સ ડેટા જ જણાવે છે કે ગત વર્ષના મે ના પ્રમાણમાં આ વર્ષે મે મહિના સુધીમાં ચીનની યુ.એસ.માં થતી નિકાસ ૩૪.૫ ટકા ઘટી ગઈ છે. કોવિદ-૧૯ના સમયમાં ફેબુ્ર. ૨૦૨૦ પછી પહેલીવાર આટલો મોટો નિકાસમાં ફટકો પડયો છે.
ડેટા વધુમાં જણાવે છે કે, મે મહિનામાં વેલ્યુ-ટર્મમાં યર-ઓન-યર-બેઝિસ (વર્ષથી વર્ષના હિસાબે જોતાં) મે મહિનામાં કુલ નિકાસ જે પૂર્વે ૮.૧ ટકાના દરે વધતી હતી તે એપ્રિલ ૨૦૨૫માં ૫ ટકા જેટલો પણ વધારો દર્શાવી શકી નથી અને તે પણ ટ્રમ્પે ટેરિફમાં કરેલા ઘટાડા પછી.
આયાતની વાત લઈએ તો જે યર-ટુ-યર બેઝિસ પ્રમાણે ૩.૪ ટકાના દરે વધતી હતી. તે એપ્રિલમાં ૦.૨ ટકાના દરે જ વધી છે. પૂર્વે એમ મનાતું હતું કે આયાત ૦.૯ ટકા જેટલી ઘટશે પરંતુ તેથી એ ઘણી ખરાબ સ્થિતિ ઉત્પન્ન થઈ તે ૦.૨૩ના દરે જ વધી છે.
વોશિંગ્ટન દ્વારા ટેરિફ વધારાની તલવાર તોળાતી જોઈ ચીને નિકાસમાં જબ્બર વધારો શરૂ કરી દીધો હતો, તેથી માર્ચ અને એપ્રિલમાં અનુક્રમે તેમાં ૧૨.૪ ટકા અને ૮.૧ ટકાનો વધારો ‘યર-ટુ-યર બેઝિસ’ (ગત વર્ષના પ્રમાણમાં) નોંધાયો હતો પરંતુ ટેરિફ લાગુ પડતાં એકાએક ઓટ આવી ગઈ. તે પછી ટ્રમ્પે ટેરિફ વધારો ૯૦ દિવસ સુધી લાગુ નહીં કરવાનું કહેતા થોડી રાહત તો થઈ છે છતાં એક વાત સ્પષ્ટ છે કે ટેરિફ અને તાઇવાનના મુદ્દે વિશ્વની આ બે સૌથી મોટી ઈકોનોમી વચ્ચે સાંઠ મારી તો શરૂ થઈ ગઈ છે. તેમાં ‘રેર-અર્થસ’ની ચીનમાંથી થતી નિકાસનો નવો વિવાદ ઉપસ્થિત થયો છે.
ટૂંકમાં અત્યારે તો પરિસ્થિતિ ગૂંચવાઈ ગઈ છે. સૌની નજર આગામી સપ્તાહે લંડનમાં મળનારી બંને દેશોના પ્રતિનિધિઓની બેઠક પર મંડાઈ રહી છે.