પાણકવા ગામે બીમાર સિંહણ પર લાઇટ કરવાના મામલે વન કર્મી.પર હુમલાનો પ્રયાસ
અમરાપુર (ગીર) ગામે વાહન ઊભું રાખવા બાબતે કોન્સ્ટેબલ સાથે ચાલકે ઝપા ઝપી
Rajkot તા.૧૩
માળિયા હાટીના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ સરકારી કર્મચારીઓ પર હુમલા અને ફરજમાં રૂકાવટના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં પાણકવા ગામે માંદી સિંહણ પર ટોર્ચ મારવાની ના પાડતા એક શખ્સે મહિલા વનકર્મી અને સ્ટાફ પર કુહાડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમરાપુર (ગીર) ગામે બ્રિજ પર વાહન ઊભું રાખવા બાબતે પૂછપરછ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સાથે ઇકો કારના ચાલકે ઝપાઝપી કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદો માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, માળિયા હાટીના ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી ઇન્દિરાબેન રાત્રિના સમયે પોતાના સ્ટાફ સાથે પાણકવા ગામે કાયદેસરની ફરજ પર હતા. આ દરમિયાન પાણકવા બસ સ્ટેશન નજીકથી એક માંદી સિંહણ રસ્તો ક્રોસ કરી રહી હતી. તે સમયે પાણકવા ગામનો જાદવભાઈ નંદાણીયા નામનો શખ્સ પોતાની મોટરસાયકલ લઈને ત્યાં ધસી આવ્યો હતો અને પોતાની પાસે રહેલી ટોર્ચ માંદી સિંહણ પર મારી ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો.
ગંભીર પરિસ્થિતિને જોતાં મહિલા વનકર્મી ઇન્દિરાબેન અને તેમના સ્ટાફે જાદવભાઈને ટોર્ચ બંધ કરવા જણાવ્યું હતું. આથી ઉશ્કેરાયેલા આરોપી જાદવભાઈએ વનકર્મીઓ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી પોતાની પાસે રહેલી કુહાડી હવામાં લહેરાવી ફરિયાદી ઇન્દિરાબેન અને અન્ય સાક્ષીઓને મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બીજા બનાવમાં, માળિયા હાટીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મિલનભાઈ રાજાભાઈ વાળા પોતાની કાયદેસરની ફરજ પર હતા, ત્યારે અમરાપુર (ગીર) ગામના મોટા બ્રિજ પર ઇકો વાહન રાખીને ઉભેલા સુરેશભાઈ છગનભાઈ કણેત (રહે. અમરાપુર) નામના શખ્સને જોયો હતો. કોન્સ્ટેબલ મિલનભાઈએ ત્યાં જઈને વાહન રાખવા બાબતે પૂછપરછ શરૂ કરતા જ ઇકો ચાલક સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપી સુરેશ કણેતે પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરી, ગાળો આપી હતી અને કાયદો હાથમાં લઈને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હતી. આરોપીએ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ મિલનભાઈ વાળાની ફરિયાદના આધારે માળિયા હાટીના પોલીસે આરોપી સુરેશભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

