સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવી બેસતા ચાલક રસ્તા પર ઊભેલા ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો, પરિવારમાં શોક
Rajkot તા.૧૩
શહેરના કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવી બેસતા ચાલક યુવાન રસ્તા પર ઊભેલા ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર પુત્રને સામાન્ય ઇજાઓ પહોંચતા તેનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નાના મવા રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વશરામભાઈ પુંજાભાઈ પરમાર (ઉ.વ. ૪૩) પોતાના પુત્ર સાથે સ્કૂટર પર ઘરે આવવા નીકળ્યા હતા. કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અચાનક સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવી દેતા સ્કૂટર બંધ પડેલા ટેમ્પો સાથે ભટકાયું હતું.અકસ્માતમાં વશરામભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમનો પુત્ર સામાન્ય ઇજાઓ સાથે બચી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ વશરામભાઈએ દમ તોડી દિધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક વશરામભાઈ સિક્યુરિટીમાં નોકરી કરતા હતા, તેમને સંતાનમાં બે દીકરા છે પોતે બે ભાઈ એક બહેનમાં મોટા હતા. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે.

