બે ભાઈઓએ ચાર બહેનોની મંજૂરી કે સંમતિ લીધા વગર જ નામ કમી કરાવી બનાવટી દસ્તાવેજોના આધારે ફેરફાર નોંધ પડાવી દીધી હતી
Anand, તા.૨૭
આણંદ જિલ્લાના તાલુકા મથક તારાપુરની સીમમાં આવેલા જુદા જુદા ૧૩ જેટલા સર્વે વાળી જમીનોમાંથી ચાર સગી બહેનો જેમાં એક બહેન મરણ પામેલા હોવા છતાં પણ હક્ક કમીના બોગસ દસ્તાવેજો બનાવીને તેના આધારે જમીન પોતાના નામે કરી દીધી હતી. જેમાંથી અમુક જમીન બારોબાર વેચી મારવા અંગે આણંદના કલેકટરની જમીન તકેદારી સમિતિના હુકમ આધારે તારાપુર પોલીસે બન્ને ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ખેડા શહેરમાં સૈયદવાડા ખાતે આબિદહુસેન શોકતહુસેન મલેક પોતાના પરિવાર સાથે રહે છે અને મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના માતાના પિતા એટલે નાનાજી મજુમીયા અમીરમીયા શેખની આણંદ જિલ્લાના તારાપુર ગામની સીમમાં અલગ અલગ ૧૩ જેટલા સર્વે વાળી કિમતી જમીનો આવેલી છે. મજુમીયા શેખના અવસાન બાદ તેમના બે દીકરા અને પાંચ દીકરીઓ તેમજ પત્નીના નામે આ જમીનોમાં તારીખ ૨૯-૬-૧૯૭૬થી જમીનના રેકર્ડ ઉપર નામો દાખલ થયા હતા. આ જમીનમાંથી સર્વે નંબર ૧૫૦૩/૧ ૧૫૦૩/૨ વાળી જમીનનો અમુક ભાગ સબ રજીસ્ટાર સમક્ષ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ તારીખ ૧૦-૬-૨૦૨૪ના રોજ થયો હતો. .આ બાબતની જાણકારી આબિદહુસેનના માતા અને માસીઓને થતાં તેમણે પોતાના હક્ક હીસ્સાની માંગણી કરી હતી. જેમાં બે ભાઈઓ તારાપુર કસ્બામાં રહેતા અલાઉદ્દીન મજુમીયા શેખ અને ઉસ્માનમીયા મજુમીયા શેખે તમારો કોઈ લાભભાગ કે હિસ્સો નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી રેવન્યુ રેકર્ડ તેમજ જરૂરી નોંધોના સંબંધિત કાગળો મેળવતાં તેમના હક્ક કમી થયા હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા બંને ભાઈઓ અલાઉદ્દીન શેખ અને ઉસ્માનમીયા શેખે પોતાની ચાર બહેનોને જાણ કર્યા વગર કે તેમની સંમતિ લીધા વગર જ તારીખ ૭-૧૦-૯૭થી નામો કમી કરાવી દીધા હતા અને ખોટી અરજીઓ જવાબો અને સહીઓ કરીને હક્ક કમી કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે આબિદહુસેન શોકતહુસેન મલેકે આણંદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતાવાળી જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ ફરિયાદ કરતા સમિતિએ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જેથી તારાપુર પોલીસે હુકમના આધારે આબિદહુસેન શોકતહસેન મલેકની ફરિયાદ લઈ તારાપુર કસ્બામાં રહેતા અલાઉદ્દીન મજુમીયા શેખ અને ઉસ્માનમીયા મજુમીયા શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

