New Delhi,તા.21
ભારત-અમેરિકા વચ્ચે તાજેતરમાં જ ટ્રેડ ડીલ થયા બાદ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે. આ ડીલના કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ સાથે કોંગ્રેસે અનેક ખેડૂતો નેતાઓ સાથે પણ બેઠકોનો દોર ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ ખેડૂત સંમેલન યોજીને ખેડૂતોને સમજાવશે કે, આ સમજૂતીથી તેમની આજીવિકા પર નકારાત્મક અસર પડવાની છે.
ટ્રેડ ડીલને મામલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી છે, જેમાં વિવિધ રાજ્યોમાં ખેડૂત સંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં આ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાઓ પણ સામેલ થયા હતાં.
ખડગેએ ટ્વિટ કરીને કહ્યું છે કે, `આજે છ રાજ્યોના નેતાઓ સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી છે. બેઠકમાં ભારત-અમેરિકાના ટ્રેડ ડીલ પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. એ વાત સ્પષ્ટ છે કે, મોદી સરકારે આ ટ્રેપ ડીલ કરીને ખેડૂતોના હિતો સાથે સમજૂતી કરી છે. કોંગ્રેસ ખેડૂતોના હકની સુરક્ષા કરવા માટે કિસાન સંમેલનનું આયોજન કરશે અને અમે ગામે-ગામ સુધી આ મુદ્દાને લઈને જઈશું.’
બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, `કોંગ્રેસ દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ ભોપાલમાં પ્રથમ ખેડૂત સંમેલન યોજાશે, ત્યારબાદ સાતમી માર્ચે મહારાષ્ટ્રના યવતમાલામાં અને માર્ચમાં જ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સંમેલનનું આયોજન કરાશે. આ સંમેલનમાં ખડગે અને રાહુલ ગાંધી સામેલ થશે.’ આ દરમિયાન ટ્રેડ ડીલનો ઉગ્ર વિરોધ કરવાની સાથે ખેડૂતોને તેનાથી થતા નુકસાનની માહિતી આપવામાં આવશે.
જયરામ રમેશે ખેડૂત અને વિવિધ રાજ્યોના નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, `બેઠકમાં ભારત-અમેરિકા વેપાર સમજૂતી અને વડાપ્રધાન મોદીએ કરેલા સરેન્ડર અંગે ચર્ચા થઈ છે.
ટ્રેડ ડીલના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કપાસ, સોયાબીન, મકાઈનું ઉત્પાદન કરતા ખેડૂતો અને ફળ-બદામના ઉત્પાદકો પર નકારાત્મક અસર પડવાની છે.’
કોંગ્રેસ મહાસચિવે વધુમાં કહ્યું છે કે, `કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીએ તે વાત પર ભારપૂર્વક કહ્યું છે કે, અમેરિકા સાથેની ડીલ સામે વડાપ્રધાન મોદીનું વધુ એક સરેન્ડર છે.
ભારત-પાકિસ્તાન ઘર્ષણ વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના કહેવા પર વડાપ્રધાન મોદીએ ઓપરેટન સિંદૂર અટકાવ્યું હતું, જે પહેલું સરેન્ડર હતું. અમે ખેડૂત સંમેલન યોજીને ખેડૂત સંગઠનો સાથે મળીને અવાજ ઉઠાવીશું.’

