Rajkot, તા.5
સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને ભાવનગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ આવવાનું ચાલુ રહ્યું છે. જામનગરમાં ફરી ગઇકાલે સાત નવા કેસ બહાર આવ્યા છે. તો રાજકોટ શહેરમાં પણ બુધવારે સાત નવા દર્દી નોંધાયાનું આજે જાહેર થયું છે. ભાવનગરમાં પણ ચાર દર્દી નોંધાયા છે.
રાજકોટમાં 24 વર્ષના યુવાનથી માંડી 83 વર્ષના વૃધ્ધને કોરોના નિદાન થયું છે. મારૂતિનગર, અંબિકા ટાઉનશીપ, ગણેશ પાર્ક, સંતોષીનગર, ભકિતધર સોસાયટી, રાજન સોસાયટી અને રેસકોર્સ રોડ પર નવા દર્દી નોંધાયા છે.
આ તમામ લોકોએ વેકસીનના બે થી ત્રણ ડોઝ લીધા છે. ત્રણ દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તો અન્ય ચાર ધરમપુર, નાથદ્વારા, અમદાવાદ અને રાજસ્થાનથી પરત ફર્યા હતા. તમામની તબિયત સ્વસ્થ છે અને ઘર હોમ આઇસોલેશનમાં સારવારમાં છે.
રાજકોટમાં તા. 19-5થી આજ સુધીમાં કુલ 68 કોરોના કેસ નોંધાયા છે જેમાંથી રપ સ્વસ્થ બની ગયા છે. તો 43 લોકો ઘરે હોમ આઇસોલેશનમાં છે.
જામનગર
જામનગર શહેરમાં કોરોનાએ માથું ઉચકયું છે મંગળવારે છ કેસ પોઝીટીવ આવ્યા પછી બુધવારે જુદા જુદા વિસ્તારોમાથી વધુ સાત કેસ પોઝીટીવ સામે આવ્યા છે.જેમાં એક પુરુષ અને છ મહિલાઓ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 39 કેસ નોંધાયા છે.જેમાંથી 11 દર્દીઓને ડિસ ચાર્જ કરાયા છે.
શહેરમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. કારણ કે બુધવારે પણ શહેરમાં કોરોનાના વધુ સાત કેસ સામે આવ્યા છે.જેમાં કામદાર કોલોની વિસ્તારમાં 57 વર્ષીય પ્રૌઢા, પવનચકકી જેલ રોડ વિસ્તારમાં 22 વર્ષીય યુવતિ, દિગ્વિજય પ્લોટ-3 વિસ્તારમાં 37 વર્ષીય મહિલા, નિલકંઠ બેડી રીંગ રોડ વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધ. પીજી હોસ્ટેલમાં 27 વર્ષીય યુવતિ, પટેલ કોલોની વિસ્તારમાં 74 વર્ષીય વૃદ્ધા અને વૃંદાવન પાર્ક-1 વિસ્તારમાં 45 વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ જાહેર થયા છે.
જે તમામને હોમ આઇશોલેશનમાં રાખી ઘરે જ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. બુધવારની સ્થિતિએ જામનગર શહેરમાં કુલ 28 એકટિવ કેસ છે.અત્યાર સુધીમાં કુલ 39 કેસ પૈકી 11 દર્દીઓ ડીસ્ચાર્જ જાહેર થયા છે.
.જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલમાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી.બીજી બાજુ આરોગ્ય તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલા લેવામાં આવી રહ્યા છે.
ભાવનગર
ભાવનગરમાં એક સાથે કોરોના ના નવા ચાર કેસ નોંધાયા છે. કોરોના એ માથું ઉચકતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના શહેરના વિજયનગરમાંથી 20 વર્ષિય યુવક, ઘોઘા સર્કલ વિસ્તારમાંથી 9 વર્ષીય બાળક, હાદાનગરમાંથી 39 વર્ષીય પુરૂષ અને મફતનગર વિસ્તારમાંથી 32 વર્ષીય પુરૂષ સહિત ચારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલ છે. જ્યારે આજે ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થયા છે.હવે ભાવનગરમાં કોરોનાના કુલ નવ કેસ એક્ટિવ રહ્યા છે.