Washington,તા.04
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ફોર્ટ નોક્સના ગોલ્ડ રિઝર્વના ફિઝિકલ ઓડિટની માંગ કરી છે. અહીં અમેરિકાનાં કુલ રિઝર્વનું લગભગ અડધું સોનું રાખવામાં આવ્યું છે જેની વેલ્યુ આશરે 600 અબજ ડોલર છે. છેલ્લા 70 વર્ષથી આનું ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ કરાવવામાં આવ્યું નથી.
આને અમેરિકામાં સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે. આને સમુદ્ર કિનારાથી દૂર કેન્ટુકીમાં 1936માં ગ્રેનાઇટ, સ્ટીલ અને કોંક્રિટથી બનાવવામાં આવ્યું હતું. આની ચારેય તરફ કોંક્રિટની જાડી દીવાલ છે અને અંદર એવું સ્ટીલ લાગેલું છે જેના પર ડ્રિલિંગ ન કરી શકાય. આનો દરવાજો 20 ટન વજનનો છે અને તેને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે કેટલાય પ્રકારનાં હુમલાઓ સહન કરી શકે છે. આને દુનિયાની સૌથી સુરક્ષિત તિજોરી માનવામાં આવે છે.
ફોર્ટ નોક્સની સુરક્ષા એટલી મજબૂત છે કે અહીં કોઈ સામાન્ય વ્યક્તિ આવી શકતી નથી. પરંતુ લાંબા સમયથી આનું ઓડિટ થયું નથી. આ જ કારણ છે કે આની પારદર્શિતા પર સવાલો ઉઠતા રહે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક પોસ્ટમાં કહ્યું કે હવે ફોર્ટ નોક્સના ફિઝિકલ ઓડિટનો સમય આવી ગયો છે.
તાજેતરમાં સીઆઈએના એક પૂર્વ અધિકારી પર કરોડો ડોલરના ગોલ્ડ બાર અને કેશની ચોરીનો આરોપ લાગ્યો હતો. આ સમાચારે આખા દેશનું ધ્યાન ફોર્ટ નોક્સ તરફ ખેંચ્યું છે. પોલીસને તેની પાસેથી 40 મિલિયન ડોલરથી વધુ કિંમતનાં આશરે 300 ગોલ્ડ બાર મળી આવ્યાં હતાં.
કેટલી છે કિંમત?
અમેરિકાનાં ટ્રેઝરી વિભાગનાં જણાવ્યાં અનુસાર ફોર્ટ નોક્સમાં આશરે 147.3 મિલિયન ઔંસ સોનું રાખવામાં આવ્યું છે જે અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટના કુલ રિઝર્વનું લગભગ અડધું છે.
ટ્રેઝરીનું કહેવું છે કે, દર વર્ષે આનું રિવ્યુ કરવામાં આવે છે પરંતુ આલોચકોનું કહેવું છે કે કેટલાય દાયકાઓથી આનું ફુલ ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ થયું નથી. છેલ્લી વખત કોંગ્રેસનાં સભ્યોએ 1974માં આનું ઇન્સ્પેક્શન કર્યું હતું.
આ ફેસિલિટીને 1936માં બનાવવામાં આવી હતી જેથી દેશનાં ગોલ્ડ રિઝર્વને દરિયાકાંઠાના શહેરોથી દૂર સુરક્ષિત સ્થાન પર રાખી શકાય. આ ડિપોઝિટરીમાં ગોલ્ડની સાથે-સાથે અમેરિકાનાં સૌથી વેલ્યુએબલ ઐતિહાસિક દસ્તાવેજો પણ રાખવામાં આવ્યાં છે.
આમાં ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ અને બંધારણની મૂળ નકલો પણ સામેલ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ વસ્તુઓને ત્યાં રાખવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ડિપોઝિટરીમાં રાખવામાં આવેલાં સોનાની કિંમત વર્તમાન ભાવ મુજબ 590 અબજ ડોલર થાય છે. આનું છેલ્લું ફુલ ઓડિટ 1954માં થયું હતું.
અમેરિકાનું ગોલ્ડ રિઝર્વ
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે ફોર્ટ નોક્સના ઇન્ડિપેન્ડન્ટ ઓડિટની માંગ કરી હોય. ગયા વર્ષે પણ ટ્રમ્પ અને એલન મસ્કે જાહેરમાં ફોર્ટ નોક્સ પર સવાલો ઉઠાવ્યા હતા અને આના ફિઝિકલ ઓડિટની માંગ કરી હતી.
જોકે આ માંગને સ્વીકારવામાં આવી નહોતી અને ટ્રાન્સપેરન્સીને લઈને સવાલો હજુ પણ બનેલા છે. અમેરિકા પાસે 8,133 ટન ગોલ્ડ રિઝર્વ છે જે દુનિયામાં સૌથી વધુ છે. અમેરિકાની સરકાર ફોર્ટ નોક્સને દુનિયાની સામે લાવવા નથી માંગતી.
અમેરિકાનો અભેદ્ય કિલ્લો
* ફોર્ટ નોક્સમાં અમેરિકાનું લગભગ અડધું સોનું રાખવામાં આવ્યું છે.
* વર્તમાન બજાર ભાવ પર આની કિંમત આશરે 590 અબજ ડોલર છે.
* ફોર્ટ નોક્સનું આશરે 70 વર્ષથી ઇન્ડિપેન્ડન્ટ ઓડિટ થયું નથી.
* રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આના ફિઝિકલ ઓડિટની માંગ કરી છે.

