Ahmedabad,તા.૫
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ અને કાળા નાણાંની હેરાફેરી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના સાગરીતો સાથે જોડાયેલા નેટવર્ક પર મુંબઈ ઉપરાંત ગુજરાતના સુરત, રાજકોટ અને અંકલેશ્વર સહિત કુલ ૨૧ સ્થળોએ એકસાથે ઈડીએ દરોડા પાડ્યા હતા.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૨ અને ૩ જૂન દરમિયાન હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ડ્રગ્સના ઉત્પાદન, સપ્લાય, વિતરણ અને હવાલા મારફતે નાણાંની હેરાફેરી સાથે સંકળાયેલા અનેક લોકોના ઠેકાણાઓની તપાસ કરવામાં આવી હતી.
ઈડીની તપાસમાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા પ્રતિબંધિત રસાયણોના સપ્લાયરો, કેમિકલ વેપારીઓ, મેફેડ્રોન ડ્રગ્સના ઉત્પાદકો, વિતરકો, હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતો ખરીદનારાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર પાછળના સમગ્ર નાણાકીય માળખાને તોડી પાડવાનો છે. દરોડા દરમિયાન ઈડ્ઢને મોટા પાયે આર્થિક ગેરરીતિઓના પુરાવા મળ્યા છે. તપાસ દરમિયાન સલીમ ડોલા અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા ખાતાઓમાંથી અંદાજે ૧.૩૩ કરોડનું બેંક બેલેન્સ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત મોટી માત્રામાં રોકડ, સોનાના લગડીઓ અને વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા વિદેશી ચલણમાં ૨૨૦૦ અમેરિકન ડોલરનો સમાવેશ થાય છે.
ઈડીએ તપાસ દરમિયાન ભારત તેમજ દુબઈમાં આવેલી કરોડો રૂપિયાની મિલકતો સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રગ્સના ગેરકાયદેસર વેપારમાંથી મેળવાયેલા નાણાંનો ઉપયોગ દેશમાં અને વિદેશમાં સ્થાવર સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે.
આ સમગ્ર તપાસની શરૂઆત માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સંબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલી અનેક હ્લૈંઇના આધારે કરવામાં આવી હતી. વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક પ્રતિબંધિત રસાયણોની ખરીદીથી લઈને ગુપ્ત લેબોરેટરીઓમાં મેફેડ્રોનના ઉત્પાદન, આંતરરાજ્ય સપ્લાય અને વિતરણ સુધી સક્રિય હતું. ડ્રગ્સના વેચાણમાંથી મળતી આવક હવાલા ચેનલો મારફતે દેશમાં અને વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી અને તેમાંથી બેનામી મિલકતો ઊભી કરવામાં આવતી હતી.
ઈડી દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ સંપત્તિઓ, નાણાકીય વ્યવહારો અને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અંગે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

