૧૮મી, ૧૯મી અને ૨૦મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે
Ahmedabad,તા.૪
જાહેર પરિવહનની જીવાદોરી સમાન ગુજરાત STના ખાનગીકરણ અને કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાત ST મઝદૂર મહાસંઘ દ્વારા ૧૮થી ૨૫ જૂન સુધી આંદોલનનું એલાન કરાયું છે. જેમાં STના કર્મીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી, નિગમની મુખ્ય તથા તમામ વિભાગીય કચેરીઓ, બસ ડેપો બહાર ઘંટનાદ સાથે રામધૂન બોલાવી ધરણાં પર બેસીને દેખાવો કરશે.ST નિગમની મનસૂફી સામે કર્મચારીઓએ હવે બાંયો ચડાવી છે.
કરોડો ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસ ભાડે લેવા તેમજ આઉટસોર્સિંગથી ચાર હજાર ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવાના નિગમના નિર્ણયથી તેઓ રોષે ભરાયા છે. તેમજ વર્ષોથી પડતર પ્રશ્નો જેવા કે સાતમું પગાર પંચ લાગુ કરવા, દોઢ વર્ષથી બાકી ચડત મોંઘવારી અરિયર્સ ચૂકવવા, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વગેરે મુદ્દે આંદોલન છેડવાની તૈયારી કરી દીધી છે.જેમાં ૧૮મી, ૧૯મી અને ૨૦મી જૂને કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે.
જ્યારે ૨૨મી અને ૨૩મી જૂને વિવિધ બસ ડેપો, વર્કશોપ, વિભાગીય કચેરીઓ બહાર કર્મીઓ સૂત્રોચ્ચાર કરીને ઘંટનાદ સાથે રામધૂન બોલાવશે. બાદમાં ૨૪મી જૂને તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરી સોશિયલ મીડિયા પર પણ આંદોલન ચલાવશે. આખરે ૨૫મી જૂને નિગમની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે ૧૧ વાગ્યાથી ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કરશે.

