Nashik, તા.4
મહારાષ્ટ્રના નાશિકમાં કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલ (CAATS) ખાતે પાસિંગ આઉટ પરેડ બાદ એક આર્મી ઓફિસરે પોતાની મંગેતરને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ ઘટનાને લઈને હવે અધિકારીને ભારતીય સેનાના શિસ્તના નિયમોના ભંગ બદલ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
માહિતી મુજબ, તાજેતરમાં આર્મી એવિએશન પાઇલટ તરીકે તાલીમ પૂર્ણ કરનાર કેપ્ટન ભરત ભારદ્વાજે પાસિંગ આઉટ સમારોહ બાદ પોતાના લશ્કરી ગણવેશમાં હેલિકોપ્ટર પાસે મંગેતર આરુષિને સૌની હાજરીમાં પ્રપોઝ કર્યું હતું.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. જોકે, સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રકારની પ્રવૃત્તિ લશ્કરી પ્રોટોકોલ અને શિષ્ટાચારનું ઉલ્લંઘન હોઈ શકે છે. જેના પગલે કેપ્ટન ભરત ભારદ્વાજને કારણદર્શક નોટિસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
કેપ્ટન ભરતે જણાવ્યું હતું કે, તેઓ અને આરુષિ છેલ્લા પાંચ વર્ષથી સંબંધમાં છે અને જીવનની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે પોતાના સંબંધને પણ યાદગાર બનાવવા માટે તેમણે પાસિંગ આઉટ પરેડનો દિવસ પસંદ કર્યો હતો.
તેમણે કહ્યું કે, “મારા પરિવાર અને મારા માટે આ દિવસ ખૂબ ખાસ હતો અને હું મારી મંગેતર માટે પણ આ ક્ષણને યાદગાર બનાવવા માંગતો હતો.” ફિલ્મી અંદાજમાં થયેલા આ પ્રપોઝલે સોશિયલ મીડિયામાં લોકોની પ્રશંસા મેળવી છે, પરંતુ ભારતીય સેનાની કડક શિસ્ત અને નિયમોને ધ્યાનમાં લેતા હવે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

