Vadodara,તા.૧૪
વડોદરામાં રફ્તારનો કહેર નથી અટકી રહ્યો. હવે થારચાલક યુવતીએ એક યુવકનો ભોગ લીધો છે. બેફામ થાર ચાલક યુવતીએ યુવકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. પોલીસે થાર ચાલક યુવતી ઋષિકા સરનાનીની અટકાયત કરી છે. મૃતક યુવક ફૂડ ડિલીવરી બોય હોવાનો ખુલાસો થયો છે. સાથે જ નોકરીના પહેલાં જ દિવસે અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું છે.
શહેરના અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવતી થાર જીપના ચાલકે અભિષેક મોરે નામના યુવકને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
શહેરના અક્ષરચોક પાસે મોડી રાત્રે આ ઘટના બની હતી. મહિલા લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે જઈ રહી હતી, ત્યારે થાર ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. કારમાં અન્ય બે મહિલાઓ પણ સવાર હતી. અકસ્માત સર્જનાર થાર કારમાં અંદાજે ત્રણ લોકો સવાર હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. અકસ્માત સમયે થાર કાર એક યુવતી ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે થાર ચાલક મહિલા ઋષિકા સરનાનીની અટકાયત કરી હતી. મહિલાએ નશો કર્યો હતો કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરામાં થાર ચાલક મહિલાએ ફૂડ ડિલિવરી કરતાં યુવક અભિષેક મોરેને અડફેટે લીધો હતો. વિધિના લેખ કેવા હતા, મૃતક યુવકનો નોકરીનો પહેલો જ દિવસ હતો, અને પહેલા દિવસે જ મોત મળ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો. અટલાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર આરોપીઓ અને કાર અંગે વધુ તપાસ હાથ ધરી છે.

