Muzaffarpur,તા.04
દિલ્હીમાં ગઈકાલે સર્જાયેલા હોટલ અગ્નિકાંડમાં હજુ મૃતકોને અંતિમ વિદાય પણ પુરી થઈ નથી ત્યાં બિહારમાં એક હોસ્પીટલના આઈસીયુમાં શોકસર્કીટના કારણે આગ લાગતા મોટી જાનહાનીની આશંકા છે.
છેલ્લા રિપોર્ટ મુજબ પાંચ દર્દીઓના આ આગમાં મોત થયા છે પણ 20થી વધુ દર્દીઓ આગમાં સપડાયા હતા જેના કારણે વધુ જાનહાનીનો ભય છે. બિહારના મુજફફરપુરના બ્રહ્મપુરા ક્ષેત્રની જાણીતી પ્રસાદ હોસ્પીટલના પાંચમા માળે આઈસી યુનિટમાં રાત્રીના 3 વાગ્યે ઈલેકટ્રીક સીસ્ટમમાં ક્ષતિના કારણે સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી અને જોતજોતામાં આગ પુરા યુનિટમાં ફેલાઈ હતી તથા આઈસીયુ યુનિટમાં રહેલા દર્દીઓ સપડાયા હતા અને ધુમાડા-આગના કારણે તેઓ ફસાયા હતા.
અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયાનું જાહેર થયુ છે. આગ પુરા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. અહી બે્રઈન સર્જરી બાદના અને ડાયાલીસીસ પર હોય તેવા ગંભીર રોગના દર્દીઓ આઈસીયુ યુનિટમાં હતા. આ આગમાં 20થી વધુ લોકો દાઝી ગયા હતા.
જેમાં અનેકની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડે પાંચમા માળે ફસાયેલા દર્દીઓ તથા હોસ્પીટલના સ્ટાફને બચાવવા માટે જહેમત ઉઠાવી હતી. જેમાં અનેક ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાહેર થયુ હતું.
હોસ્પીટલમાં ફાયર સેફટી નહી હોવાનું પણ બહાર આવ્યુ છે. જેના કારણે આગ વધુ પ્રસરી હતી. મૃતકોમાં બે મહિલા હોવાનું જાહેર થયુ છે અને ગંભીર રીતે દાઝી ગયેલામાં પણ અનેકને અન્ય હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે.

