Rajkot,તા.13
રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ગોંડલરોડ ઉપર વિજયપ્લોટ શેરી નં.૧૮માં શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીમાં જથ્થાબંધ મસાલા પાવડર સીઝ કરાયો હતો જેમાં લાલ મરચા, હળદર અને ધાણાજીરુ પાવડરનો ૨૫૭૦ કિલોનો જથ્થો ભેળસેળવાળો, કલરયુક્ત હોવાનું પેઢીએ સ્વીકારતા મનપા દ્વારા કચરો નાંખવાનું વાહન મંગાવીને તેના દ્વારા તેનો નાશ કરાયો છે.
ગંભીર વાત એ છે કે જ્યારે આટલી મોટી માત્રામાં એક વખતના ચેકીંગમાં આ જથ્થો પકડાયો છે ત્યારે કેટલા હજારો કિલો મસાલા વેચાઈ ગયાની અને લોકોના પેટમાં પધરાવાઈ ગયાની શક્યતા છે.
દરમિયાન, સોરઠીયાવાડી સર્કલ પાસે, મસાલા માર્કેટમાં ‘મનહરલાલ ડાયાલાલા સાતા’ નામના વિક્રેતા પાસેથી મરચા પાવડરનો નમુનો મનપા દ્વારા ૯ વર્ષ પહેલા તા.૧૮-૪-૨૦૧૭ના લઈને લેબોરેટરીટેસ્ટ કરાવતા આ મરચાની ભુકીમાં હાનિકારક અને અખાદ્ય એવો રંગ ભેળવાયાનું ખુલ્યું હતું અને તે નમુનો જોખમી પૂરવાર થયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા જ્યુડિ.મેજિસ્ટ્રેટ ફ.ક. (મ્યુનિ.) કમલેશકુમાર ગાગનાણીએ આરોપી મનહરલાલ સાતાને ૧ માસની કેદ અને રૂ।.૫૦ હજાર દંડની સજા ફટકારી છે. તથા આ નમુનામાં નોન પરમિટેડ ઓઈલની હાજરી પણ મળી હતી જે અન્વયે તે સબ સ્ટાન્ડર્ડ પણ હતો જે માટે વધુ રૂ।.૫૦ હજારનો દંડ કરાયો છે. જો દંડની રકમ નહીં ભરાય તો એક માસની વધુ જેલસજા થશે.
શહેરમાં આ ઉપરાંત (૧) સુટ્ટો જી ભરકે (જય ગણેશ એન્ટરપ્રાઈઝ, રૈયા ચોક)માંથી ૮ કિલો વાસી બ્રેડ, બર્ગર બેઝ (૨) એગ્રીટેબલ ઈન્કો., ઠાકોર દ્વાર (શાસ્ત્રીનગર, અજમેરા રોડ)માંથી ૮ કિલો એક્સપાયર્ડ ચીજો (૩) જલારામ ચાઈનીઝ એન્ડ પંજાબી ( સાંઈબાબા સર્કલ, કોઠારીયા રોડ)માંથી ૨ કિલો વાસી બ્રેડ (૪) રોલિટો વ્રેપ્સ એન્ડ મોર (રૈયા ચોકડી)માંથી ૧૫ કિલો એક્સપાયરી ચીઝ વગેરેનો નાશ કરીને દરેક પાસેથી વહીવટીચાર્જ વસુલાયો છે.

