New York,તા. 20
ફીફા વિશ્વકપ 2026ના નવમાં દિવસે રમાયેલા મહત્વનાં મુકાબલાઓએ નોકઆઉટનું ચિત્ર વધુ સ્પષ્ટ કરી દીધું છે. યજમાન અમેરિકાએ પોતાનાં સૌથી મોટા સ્ટાર ક્રિશ્ચિયન પુલિસિચ વિના મેદાનમાં ઉતરીને ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું અને અંતિમ-32માં પોતાની જગ્યા સુરક્ષિત કરી લીધી છે.
બીજી તરફ મોરોક્કોએ સ્કોટલેન્ડ સામે શાનદાર જીત નોંધાવીને પોતાનાં ગ્રુપમાં બઢત મેળવી લીધી છે. આ દરમિયાન બ્રાઝિલ અને હૈતી વચ્ચે રમાયેલા મુકાબલા પર દુનિયાભરનાં ફૂટબોલ ચાહકોની નજર ટકેલી હતી.
જેમાં બ્રાઝિલે ક્યૂનાના બે ગોલની મદદથી હાફ ટાઇમ સુધી મેળવેલી 3-0ની લીડ નિર્ણાયક સાબિત થઈ હતી અને જીત મેળવી હતી. હવે આગામી સમયમાં તુર્કિયેનો સામનો પેરાગે સામે થવાનો છે.
પુલિસિચ વિના પણ અમેરિકાનો દમદાર દેખાવ
અમેરિકી ટીમ માટે આ મુકાબલો સરળ નહોતો માનવામાં આવી રહ્યો કારણ કે ટીમનાં સ્ટાર ફોરવર્ડ ક્રિશ્ચિયન પુલિસિચ ઈજાના કારણે ઉપલબ્ધ નહોતા. તેમ છતાં અમેરિકાએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી.
મેચની 11મી મિનિટે ફ્રોલારિન બાલોગુનના શાનદાર મૂવને લીધે ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર કેમરૂન બર્ગેસ પર દબાણ આવ્યું અને બોલ તેમનાં જ ગોલમાં ચાલ્યો ગયો હતો. આ શાનદાર ગોલની મદદથી અમેરિકાએ શરૂઆતી લીડ મેળવી લીધી હતી.
ત્યારબાદ પહેલાં હાફના અંતિમ સમયમાં 43મી મિનિટે યુવા ખેલાડી એલેક્સ ફ્રીમેને સેટ પીસ પર શાનદાર હેડર લગાવીને સ્કોર 2-0 કરી દીધો હતો. વિડીયો રિવ્યુ બાદ આ ગોલને મંજૂરી મળી હતી અને અમેરિકાએ મુકાબલા પર મજબૂત પકડ બનાવી લીધી હતી. સમગ્ર મેચમાં ઓસ્ટ્રેલિયા વાપસી કરી શક્યું નહોતું અને અમેરિકાએ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.
સાઇબારીના રેકોર્ડ ગોલથી મોરોક્કોની જીત
બોસ્ટન સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં મોરોક્કોએ સ્કોટલેન્ડને 1-0થી હરાવીને મોટી જીત નોંધાવી છે. મેચ શરૂ થતાની સાથે જ ઇસ્માઇલ સાઇબારીએ બ્રાહિમ ડિયાઝના સચોટ પાસને કંટ્રોલ કરીને સ્કોટિશ ગોલકીપર એંગસ ગનને છકાવ્યો અને બોલને નેટની છતમાં પહોંચાડી દીધો હતો.
આ ગોલ ઘણી રીતે ઐતિહાસિક સાબિત થયો છે. આ ફીફા વિશ્વકપ 2026નો અત્યાર સુધીનો સૌથી ઝડપી ગોલ છે અને સાથે જ વિશ્વકપમાં મોરોક્કોનો પણ સૌથી ઝડપી ગોલ બની ગયો છે.
બીજા હાફમાં પણ મોરોક્કોનું વર્ચસ્વ રહ્યું
ગોલ કર્યા પછી પણ મોરોક્કો સતત આક્રમણ કરતું રહ્યું હતું. સાઇબારી બીજા ગોલની નજીક પહોંચ્યા હતા પરંતુ તેમનો શોટ બાર સાથે અથડાયો હતો. બિલાલ એલ ખન્નૂસ અને અચરફ હાકિમીએ પણ ઘણી તકો બનાવી હતી.
એક સમયે એલ ખન્નૂસ ગોલ કરવાની નજીક હતા પરંતુ સ્કોટલેન્ડના ગોલકીપર એંગસ ગને શાનદાર બચાવ કર્યો હતો. છેલ્લી 15 મિનિટમાં સ્કોટલેન્ડે વાપસીનો પ્રયાસ કર્યો હતો. જોન મેકગિન, બેન ગેનન-ડોક અને સ્કોટ મેકટોમિનેએ સતત હુમલા કર્યા હતા, પરંતુ મોરોક્કોની ડિફેન્સે કોઈ ભૂલ કરી નહોતી અને ટીમે 1-0ની લીડ જાળવી રાખી હતી.
સાઇબારીએ બનાવ્યો મોટો રેકોર્ડ
આ ગોલની સાથે ઇસ્માઇલ સાઇબારીએ એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. તે વિશ્વકપમાં પોતાની પહેલી બે મેચમાં ગોલ કરનાર માત્ર બીજા આફ્રિકન ખેલાડી બન્યાં છે. આ પહેલા આ રેકોર્ડ ઇજિપ્તના સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહે 2018ના વિશ્વકપમાં કર્યો હતો. સાઇબારીને તેમના શાનદાર પ્રદર્શન માટે ‘મેચ ઓફ ધ મેચ’ પણ પસંદ કરવામાં આવ્યાં હતાં.
બ્રાઝિલ-હૈતી મુકાબલા પર ટકેલી નજરો
બ્રાઝિલે ફીફા વિશ્વકપ 2026માં પોતાનું દમદાર પ્રદર્શન યથાવત રાખતા હૈતીને 3-0થી હરાવી દીધું છે. આ જીત સાથે બ્રાઝિલે ગ્રુપ-સીમાં મહત્વનાં ત્રણ અંક મેળવ્યાં છે અને નોકઆઉટની રેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. શરૂઆતથી જ બ્રાઝિલે બોલ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને સતત આક્રમક રમત બતાવી હતી, જેનો ફાયદો તેને ત્રણ ગોલના રૂપમાં મળ્યો હતો.
બીજી તરફ હૈતીની ટીમ બ્રાઝિલની ફાસ્ટ એટેકિંગ લાઇન સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી અને મેચમાં વાપસી કરી શકી નહોતી. બ્રાઝિલ તરફથી ક્યૂનાએ બે ગોલ કર્યા જ્યારે વિનિશિયસે એક ગોલ કર્યો હતો. આ પહેલા એવા પણ અહેવાલો હતા કે સ્ટાર ખેલાડી નેમાર ઇજાના કારણે હૈતી સામેની આગામી મેચમાં રમવાના નથી અને તેઓ બ્રાઝિલ ટીમ સાથે રવાનાં થયા નહોતાં.
પેરાગે VS તુર્કિયે
બંને ટીમો ટૂર્નામન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનાં ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. પેરાગે માટે આ મુકાબલો નોકઆઉટની આશાઓ જીવંત રાખવાની તક સમાન રહેશે, જ્યારે તુર્કિયે જીત મેળવીને આગામી રાઉન્ડ તરફ જવા ઈચ્છશે.
આજે ફીફા વિશ્વકપમાં શું થવાનું છે?
વિશ્વકપ 2026ના 10મા દિવસે પણ ફૂટબોલ પ્રશંસકોને રોમાંચક મુકાબલા જોવા મળશે. દિવસની શરૂઆત ગ્રુપ-એફના મુકાબલાથી થશે જ્યાં નેધરલેન્ડ્સ અને સ્વીડનની ટીમો સામસામે ટકરાશે.
ત્યારબાદ ગ્રુપ-ઈમાં જર્મનીનો સામનો આઇવરી કોસ્ટ સામે થશે, જેમાં જર્મન ટીમ જીત મેળવી નોકઆઉટ તરફ જવા માંગશે. બીજી તરફ ઇક્વાડોર અને કુરાસાઓ વચ્ચેની મેચ પણ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે બંને ટીમો માટે પોઈન્ટ્સ મેળવવા જરૂરી રહેશે.
દિવસની છેલ્લી મેચમાં ટ્યુનિશિયા અને જાપાન સામસામે ટકરાશે. જાપાન પોતાની ઝડપી અને શિસ્તબદ્ધ ફૂટબોલના દમ પર જીતનું પ્રબળ દાવેદાર મનાય છે, જ્યારે ટ્યુનિશિયા મોટો ઉલટફેર કરીને ગ્રુપની સ્થિતિને રસપ્રદ બનાવવા માટે પ્રયાસ કરશે. કુલ મળીને 10મા દિવસે ચાર મુકાબલા ખેલાશે, જેના પરિણામો ઘણી ટીમોની નોકઆઉટ રાઉન્ડની સફર નક્કી કરી શકે છે.
પહેલીવાર માત્ર બે મેચમાં નોકઆઉટમાં પહોંચ્યું અમેરિકા
આ ઉપલબ્ધિ અમેરિકી ફૂટબોલ માટે ખુબ જ ખાસ છે. વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાએ માત્ર બે મુકાબલા રમ્યાં બાદ જ નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે. આ પહેલા વર્ષ 1994માં જ્યારે અમેરિકાએ વિશ્વકપની મેજબાની કરી હતી.
ત્યારે ટીમ ત્રીજા સ્થાન પર રહેનારી સર્વશ્રેષ્ઠ ટીમોમાં સામેલ થઈને આગામી રાઉન્ડમાં પહોંચી શકી હતી. જોકે, આ વખતે ટીમે પોતાનાં શાનદાર પ્રદર્શનના દમ પર સીધું રાઉન્ડ ઓફ-32 માં સ્થાન મેળવ્યું છે.

