ફોર્ડ કંપની હવે અનુભવી એન્જિનિયર્સની સહાયથી એઆઇને વધારે સ્માર્ટ બનાવી ખપમાં લઇ રહી છે
Washington, તા.૩૦
એઆઇ અને ઓટોમેટેડ ક્વોલિટી સિસ્ટમ્સ ઇચ્છિત પરિણામો પુરાં ન પાડી શકતાં અમેરિકન કાર કંપની ફોર્ડે છેલ્લા ત્રણ વર્ષમાં થોડાં ભૂતપૂર્વ કર્મચારીઓ સહિત ૩૫૦ અનુભવી એન્જિનિયર્સને પાછાં બોલાવવા પડયા છે. કંપનીએ જણાવ્યું હતું કે માનવ નિષ્ણાતોને પાછાં બોલાવવાથી ખર્ચમાં ઘટાડો થયો છે અને કંપનીને મુખ્ય કાર બ્રાન્ડમાં જેડી પાવર ઇનિશિયલ ક્વોલિટી સર્વેમાં પહેલું સ્થાન મળ્યું છે. ફોર્ડના ઉચ્ચ અધિકારીઓએ કબૂલ્યું હતું કે કંપનીએ કર્મચારીઓના વિવિધ વાહનોના દાયકાઓના ઇજનેરી અનુભવને કોરાણે મુકી ઓટોમેશન પર વધારે પડતો મદાર રાખ્યો હતો.ફોર્ડના વેહિકલ હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ પુને જણાવ્યું હતું કે એઆઇ પોતાની મેળે શું હાંસલ કરી શકે તેનો કંપનીએ વધારે પડતો અંદાજ માંડી દીધો હતો. ભૂલથી અમે એમ માની લીધું હતું કે એઆઇ વાપરવાથી અને અમારી ડિઝાઇન જરૂરિયાતો જણાવવાથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો પેદાં કરી શકાશે. પરંતુ એઆઇ ઉપયોગી સાધન છે પણ તમે તેને તાલીમ આપવા જેટલી સારી માહિતી આપો તેટલું જ તે સારું કામ કરી શકે.પુને જણાવ્યું હતું કે અનુભવી ઇજનેરો કંપની છોડીને જતાં રહ્યા એ પહેલાં ફોર્ડે તેમના જ્ઞાાનને જાળવવા માટે પૂરતાં પગલાં ભર્યા નહોતાં. જેના પરિણામે એઆઇ સિસ્ટમ્સ ડેવલપમેન્ટ પ્રોસેસ દરમ્યાન સમસ્યાઓનેઆગોતરી પારખવા માટે વાસ્તવિક દુનિયામાં જરૂરી નૈપૂણ્યથી વંચિત રહી હતી. આ સમસ્યા ઉકેલવા માટે ફોર્ડ ૩૫૦થી વધારે અનુભવી ઇજનેરોને પાછાં લાવી હતી. ગ્રે બિયર્ડ તરીકે ઓળખાતાં આ ઇજનેરો યુવાન કર્મચારીઓને માર્ગદર્શન આપે છે અને એઆઇ ટૂલ્સને ફરી તાલીમ આપવામાં મદદ કરે છે.કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર કુમાર ગલહોત્રાએ જણાવ્યું હતું કે ફોર્ડની સ્થિતિ સુધારવાની વ્યૂહરચનાના કેન્દ્રમાં અનુભવી ઇજનેરો હતા. તેઓ ક્વોલિટી રિવ્યુઝ કરવામાં મોખરે રહી કંપનીને સમસ્યા થાય ત્યારે તે ઉકેલવાને બદલે તેને સર્જાતી જ નિવારવામાં નિષ્ણાત પુરવાર થયા છે. અમે હવે સમસ્યા થાય ત્યારે તેને જોઇ રહેવાને બદલે તેને દૂર કરવાનું શરૂ કરવાની માનસિકતા કેળવી લીધી છે.જો કે ફોર્ડ કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ એઆઇ ત્યજી રહ્યા નથી. અમે અનુભવી એન્જિનિયર્સ દ્વારા એઆઇને બહેતર ડેટા પુરો પાડી તેને વધારે સ્માર્ટ બનાવી રહ્યા છીએ. કંપનીએ જણાવ્યું હતું કે વિવિધ સંજોગોમાં વાહનોના સ્ટ્રેસ ટેસ્ટ પારખવા માટે બનાવવામાં આવેલાં સ્ટ્રેસ ટેસ્ટ વેહિકલ સોફ્ટવેરમાં અમે એઆઇની સહાયથી એક લાખ કરતાં વધારે વેલિડેશન ટેસ્ટ ઉમેર્યાં છે. જેને કારણે વાહનની ડિલિવરી થાય તે પહેલાં જ સમસ્યાઓ છતી થઇ જાય છે.

