Upleta તા.23
ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલ સિલ્વર રેસીડેન્સીમાં પોલીસે દરોડો પાડી કારમાંથી રૂા.1.24 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી રૂા.6.24 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.
આ બનાવમાં સોયબ તથા શાહનવાઝ (બન્ને રહે.ઉપલેટા) નામના બે આરોપીઓ સામે ગુનો દાખલ કરી બન્નેને દબોચી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ જીલ્લાના તમામ થાણા અમલદારોને દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપી હતી.
જે અંતર્ગત ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ધાંધલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ધોરાજી રોડ વિસ્તારની સિલ્વર રેસીડેન્સીમાં દરોડા પાડી કારમાંથી રૂા.1.24 લાખનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ હતો. આ દારૂ અને કાર મળી રૂા.6.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ બન્ને આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામેલ છે.

