California,તા.13
કેલીફોર્નિયા ડિસેમ્બર-1967થી ડિસેમ્બર-1974 દરમ્યાન ભારત માટે 29 ટેસ્ટ-મેચ રમનારા ઓલરાઉન્ડર ક્રિકેટર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે અમેરિકાના કેલિફોર્નિયાના ટ્રેસીમાં નિધન થયું છે એમ તેમના પારિવારિક સંબંધી અને નોર્થ અમેરિકા ક્રિકેટ લીગના રેઝા ખાને ગઈ કાલે એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.
મીડિયમ પેસબોલર અને નીચલા ક્રમના બેટ્સમેન આબિંદે અલી 1960 અને 1970ના દાયકાની શરૂઆતમાં ભારતીય ક્રિકેટ-ટીમના સ્ટાર ખેલાડી પૈકી એક હતા. આંધ્ર પ્રદેશના હૈદરાબાદના મેદાનથી તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
આબિંદ અલીએ 1967ની 23 ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. 1974ની 15 ડિસેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ સામે તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ-મેચ રમી હતી. 29 ટેસ્ટમાં તેમણે 20.36ની સરેરાશથી 1018 રન બનાવ્યા હતા જેમાં છ અડધી સદી સામેલ હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 81 રન હતો.
તેમણે 42.12ની સરેરાશથી 47 વિકેટ લીધી હતી. તેમનો શ્રેષ્ઠ દેખાવ પંચાવન રનમાં 6 વિકેટનો હતો. તેમણે પાંચ વન-ડે પણ રમી હતી અને 93 રન બનાવ્યા હતા. વન-ડેમાં તેમનો ટોચનો સ્કોર 70 હતો. તેમણે 26.71ની સરેરાશથી 7વિકેટ ઝડપી હતી.
તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિગ્ગજ ખેલાડી હતા અને 212 મેચમાં 8732 રન બનાવ્યા. હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેઓ કેલિફોર્નિયાને પોતાનું ઘર બનાવવા અમેરિકા શિફ્ટ થયા હતા. કેલિફોર્નિયામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.