Bhavnagar,તા.21
સાંગાવદર ગામે રહેતા યુવક નવી સરવઈ ગામે સેન્ટીંગ કામ માટે મજૂરોની શોધમાં ગયા હતા તેવામાં ચારે શખ્સે તારે અમારા ગામમાં મજૂરો માટે આવવું નહીં તેમ કહી લોખંડના પાઇપ અને લાકડી વડે મારી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બોટાદના સાંગાવદર ગામે રહેતા અને સેન્ટીંગ કામ કરતા કિશોરભાઈ જેઠાભાઈ પરમાર (ઉ.વ. ૩૬) પર નવી સરવઈ ગામે ચાર શખ્સોએ પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ૧૮ જુલાઈના રોજ સાંજે કિશોરભાઈ નવી સરવઈ ગામે ગોવિંદભાઈ પરમારના ઘર પાસે સેન્ટીંગ કામ માટે મજૂરોની શોધમાં ગયા હતા. આ દરમિયાન બાદલ કમાભાઈ પરમારે ફોન પર ધતારે અમારા ગામમાં મજૂરો માટે આવવું નહીં તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ બાદલ, જીલા રઘાભાઈ પરમાર, કમા બાબુભાઈ પરમાર અને દીપક હીરાભાઈ સોલંકી લોખંડના પાઇપ અને લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. પોતાના ગામમાં મજૂર રાખવા આવવાની દાઝ રાખી આ ચારેય શખ્સોએ કિશોરભાઈને બેફામ ગાળો આપી, શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં લોકો એકઠા થઈ જતાં ચારેય શખ્સે ‘હવે જો ગામમાં આવીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરાતા, બોટાદ રૃરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ સોંપી છે.

