Bristol, તા. 10
ફિફા વિશ્વ કપ 2026 ના ક્વાર્ટર ફાઇનલના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશી કરી લીધો છે. દિદિએર ડેશાની આ ટીમે આ જીત સાથે જ સતત ત્રીજી વખત વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આ અગાઉ ફ્રાન્સ 2018 માં ચેમ્પિયન બન્યું હતું અને 2022 માં ઉપવિજેતા રહ્યું હતું. આ રોમાંચક મેચના પ્રથમ હાફમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થઈ શક્યો ન હતો, પરંતુ બીજા હાફમાં સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપ્પે અને ઉસ્માન ડેમ્બેલના શાનદાર ગોલની મદદથી ફ્રાન્સે મોરોક્કોનું સપનું તોડી સેમીફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. હવે સેમીફાઇનલમાં ફ્રાન્સનો સામનો બેલ્જિયમ અને સ્પેન વચ્ચે રમાનારા ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે.
પ્રથમ હાફમાં મોરોક્કોના ગોલકીપર બુનુનો શાનદાર બચાવ
મેચની શરૂઆતથી જ ફ્રાન્સે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. મેચની 5મી જ મિનિટે દાયોટ ઉપામેકાનોના મજબૂત હેડરને મોરોક્કોના સ્ટાર ગોલકીપર યાસીન બુનુએ શાનદાર રીતે રોકી લીધો હતો. આ પછી ફ્રાન્સને ગોલ કરવાની સુવર્ણ તક મળી જ્યારે નૌસૈર મઝરાઉઈએ એમ્બાપ્પેને બોક્સની અંદર ફાઉલ કર્યો અને રેફરીએ ફ્રાન્સના પક્ષમાં પેનલ્ટી આપી.
જો કે, ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પેની આ પેનલ્ટી કિક પર ગોલકીપર બુનુએ અદભુત બચાવ કરીને ફ્રાન્સને લીડ મેળવતાં અટકાવી દીધું અને હાફ ટાઇમ સુધી સ્કોર 0-0 ની બરાબરી પર રહ્યો હતો.
એમ્બાપ્પેના જાદુઈ ગોલથી ફ્રાન્સને મળી લીડ
બીજા હાફમાં પણ ફ્રાન્સે મોરોક્કોની ડિફેન્સ લાઇન પર સતત દબાણ ચાલું રાખ્યું હતું. મેચની 60મી મિનિટે કિલિયન એમ્બાપ્પેએ ડી-બોક્સની બહારથી એક અદભુત કલિંગ શોટ મારીને બોલને સીધો નેટમાં ધકેલી દીધો અને ફ્રાન્સને 1-0 ની મહત્વપૂર્ણ લીડ અપાવી દીધી. ચાલું વિશ્વકપમાં એમ્બાપ્પેનો આ 8મો ગોલ હતો.
ડેમ્બેલે 6 મિનિટમાં જ જીત પર મોહર લગાવી દીધી
એમ્બાપ્પેના ગોલના બરાબર 6 મિનિટ પછી એટલે કે મેચની 66મી મિનિટે ફ્રાન્સે બીજો ગોલ પણ ફટકારી દીધો. આ વખતે એમ્બાપ્પેએ શાનદાર પાસ આપીને ઉસ્માન ડેમ્બેલ માટે તક ઊભી કરી હતી અને ડેમ્બેલે ખૂબ જ શાંતિથી બોલને ગોલપોસ્ટમાં પહોંચાડીને સ્કોર 2-0 કરી દીધો હતો. આ બે ગોલની લીડ બાદ ફ્રાન્સે મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું અને મોરોક્કોને વાપસીની કોઈ તક આપી ન હતી.
મેચમાં બનેલાં મુખ્ય ઐતિહાસિક રેકોર્ડ્સ
આ મેચમાં જીતની સાથે ખેલાડીઓએ ઘણાં શાનદાર રેકોર્ડ્સ પણ પોતાનાં નામે કર્યા છે જે આ મુજબ છેઃ
કિલિયન એમ્બાપ્પેનો તમામ મેચમાં ગોલ કરવાનો રેકોર્ડ : એમ્બાપ્પેએ ચાલું વિશ્વકપના તમામ 6 મેચોમાં ગોલ કરવાનો અદભુત રેકોર્ડ બનાવ્યો છે અને તે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે.
મેસીની બરાબરી તરફ એમ્બાપ્પે : વિશ્વકપના ઇતિહાસમાં સૌથી વધુ કરિયર ગોલ કરવાનાં મામલામાં એમ્બાપ્પે (20 ગોલ) હવે માત્ર લિયોનેલ મેસી (21 ગોલ) થી એક જ ગોલ પાછળ છે.
ઉસ્માન ડેમ્બેલની સિદ્ધિ : ડેમ્બેલ વિશ્વકપની એક જ સીઝનમાં 5 ગોલ કરનારો ફ્રાન્્સનો ત્રીજો ખેલાડી બની ગયો છે.
અયૂબ બુઆદ્દીનો રેકોર્ડ : 18 વર્ષ અને 280 દિવસની ઉંમરે અયૂબ બુઆદ્દી વિશ્વકપમાં કોઈ આફ્રિકન ટીમ માટે ટીનએજ એટલે કે કિશોરાવસ્થામાં 5 મેચ રમનારો સર્વપ્રથમ ખેલાડી બન્યો છે.
આજના મેચનું શેડ્યૂલ ભારતીય સમયાનુસાર
ફિફા વિશ્વકપ 2026માં ભારતીય સમય મુજબ આજે રાત્રે 12ઃ30 વાગ્યે એટલે કે 11 જુલાઈની મધ્યરાત્રિએ ક્વાર્ટર ફાઇનલનો એક ખૂબ જ રોમાંચક અને મોટો મુકાબલો રમાશે, જેમાં ફૂટબોલ જગતનાં બે દિગ્ગજો સ્પેન અને બેલ્જિયમ આમને-સામને ટકરાશે.
લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાનારી આ નોકઆઉટ મેચ બંને ટીમો માટે સેમીફાઇનલમાં પહોંચવા માટે આરપારની લડાઈ સમાન છે, અને આ મેચના વિજેતાનો સામનો સેમીફાઇનલમાં ફ્રાન્સ સામે થશે.

