New Delhi તા.10
એક સમયે દેશમાં હાહાકાર મચાવનાર અને લાખો લોકોના મૃત્યુનું કારણ બનેલ કોરોનાએ ફરી એક વખત દસ્તક દીધી છે અને આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડને કારણે બે લોકોના મૃત્યુ થયા છે જયારે ચાર પોઝીટીવ જાહેર થયા છે તેના કારણે તુર્તજ આરોગ્ય એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લગભગ ચાર વર્ષ પછી દેશમાં કોરોનાનો પ્રથમ કેસ અને મૃત્યુ નોંધાયા છે. જેઓ કોરોનાના પોઝીટીવ જાહેર થયા છે તેમને હળવા સંક્રમણનો સંકેત છે અને તેથી હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. જો કે તેમાં એકની તબીયત લથડતા તેને લોકલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી છે.
તા.28 જૂને તિરુપતિની હોસ્પિટલમાં 60 વર્ષના એક વ્યક્તિને દાખલ કરાયા તે સમયે કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું અને તેમને વેલ્લોરની મુખ્ય હોસ્પિટલમાં દાખલ કરાયા પણ સારવાર દરમ્યાન જ તેમનું મૃત્યુ થયુ હતું.
આ જ રીતે 43 વર્ષના એક વ્યક્તિને પોઝીટીવ જાહેર કરાયા પછી તેમનું મૃત્યુ થયુ. વૃદ્ધ વ્યક્તિને ડાયાબીટીસ, કીડનીના દર્દો હતા જયારે બીજા મૃતકની મેડીકલ હીસ્ટ્રી મળી નથી પરંતુ તુર્તજ તે વિસ્તારોમાં ટેસ્ટીંગ શરુ કરાયું હતું.
તેમાં વધુ ચાર લોકો પોઝીટીવ મળતા જ તેમને સારવાર માટે દાખલ કરાયા છે અને આરોગ્ય વિભાગની ટીમો હવે આ વિસ્તારમાં ટેસ્ટીંગ માટે સતત દરેક ઘરે જઈ રહી છે.

