Vadodara, તા.02
રક્ષાબંધન કરવા માટે સુરત જતી યુવતી ટ્રેનમાં ચઢતી હતી ત્યારે તેના ગળામાંથી રૂ.1.28 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવી કોઇ ગઠિયો ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પુજાપાર્ક સોસાયટીમાં રહેતી જીલ પ્રિત ગાંધી (ઉ.વ.26) તા.28ના રોજ રક્ષાબંધન હોવાથી આગલા દિવસે તા.27ના રોજ પતિ સાથે સુરત જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર રાત્રે આવ્યા હતાં. પ્લેટફોર્મ નંબર-2 પર એકતાનગર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા તેના પાછળના જનરલ ડબ્બામાં બંને ચઢ્યા હતાં.
આ વખતે ગીર્દીનો લાભ ઉઠાવી કોઇ ગઠિયાએ જીલના ગળામાં પહેરેલ આશરે 13.310 ગ્રામ વજનનું કાળા મણકા સાથેનું ફૂલ ડિઝાઇનવાળું પેન્ડલ સહિતનું મંગળસૂત્ર આંચકી લીધું હતું. ટ્રેનમાં ચઢ્યા બાદ મંગળસૂત્રની ચોરી થઇ હોવાની જાણ થતાં કોચ તેમજ દરવાજા પાસે તપાસ કરવા છતાં મંગળસૂત્ર મળ્યું ન હતું. આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

