New Delhi,તા.6
સ્થાનિકમાં છત્રીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે આજે છત્રીના લઘુતમ આયાતભાવ નંગદીઠ રૂ. 100 નિર્ધારિત કર્યા છે. આમ હવેથી લઘુતમ આયાતભાવ કરતાં નીચા ભાવથી છત્રીની આયાતને મંજૂરી આપવામાં નહીં આવે.
ફિનિશ્ડ અથવા તો તૈયાર છત્રીની નીતિ અને આયાત નીતિમાં ફેરફાર કરીને તૈયાર છત્રીને નિયંત્રિત ચીજોની યાદી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, સીઆઈએફ (કોસ્ટ ઈન્સ્યોરન્સ અને ફ્રેઈટ) ધોરણે નંગદીઠ રૂ. 100થી વધુ મૂલ્યની છત્રીની આયાત જ મુક્ત આયાત થઈ શકશે, એમ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે.
નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર એડવાન્સ ઑથોરાઈઝેશન, એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ (ઈઓયુ) અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનને આ નિયંત્રણો લાગુ નહીં થાય. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં વર્ષ 2026-27ના અંદાજપત્રમાં સરકારે છત્રી પરની આયાત જકાત વધારીને નંગદીઠ રૂ. 60 અથવા તો 20 ટકા પૈકી જે વધુ હોય તે ધોરણે અમલી કરી હતી.
તેમજ આયાતી પાર્ટસ, ટ્રિમિંગ અને એસેસરીઝ પરની ડ્યૂટી વધારીને કિલોદીઠ રૂ—।.25 અથવા તો 10 ટકા પૈકી જે વધુ હોય તે નિર્ધારિત કરી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ચીન તરફથી ભારતમાં 95.8 ટકા છત્રી અને સન અમ્બ્રેલાની સપ્લાય થાય છે.

