Ahmedabad,તા.૧૦
ગુજરાતમાં ટ્રાફિક નિયમોના અમલ અને માર્ગ સુરક્ષાને લઈને Gujarat High Court સરકાર તથા પોલીસ તંત્રની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અને માર્ગ અકસ્માતો અંગે સુઓમોટો સુનાવણી દરમિયાન કોર્ટે હેલ્મેટના નિયમો, ડમ્પરોની નંબર પ્લેટ અને વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનારા લોકો માટે હેલ્મેટના નિયમોનો કડક અમલ ન થવા અંગે સવાલ કર્યો હતો. કોર્ટે ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચે થતા અકસ્માતો તથા નંબર પ્લેટ વગર રસ્તા પર ફરતા વાહનો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટે વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની વધતી પ્રવૃત્તિ અંગે પણ ટકોર કરી હતી. કોર્ટના અવલોકન મુજબ, કેટલાક લોકો ચાલુ વાહને વીડિયો કોલ કરે છે અથવા કારના ડેશબોર્ડ પર મોબાઇલ મૂકીને વીડિયો અને મૂવી જોતા ડ્રાઇવિંગ કરે છે. આવા વર્તનથી માર્ગ અકસ્માતનું જોખમ વધી શકે છે.કોર્ટે પોલીસ તંત્રને આવા જોખમી વર્તન સામે અસરકારક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કરીને ટ્રાફિક નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાંની માહિતી આપી હતી. સરકારી પક્ષે જણાવ્યું હતું કે શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ૬૫૦ ટ્રાફિક જવાનોની ભરતી કરવામાં આવી છે.આ ઉપરાંત, ટ્રાફિક બ્રિગેડના જવાનોને ૩૦ દિવસની ખાસ તાલીમ આપીને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં તહેનાત કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી હતી.હાઈકોર્ટની આ ટકોરથી રાજ્યમાં માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના અમલ અને પોલીસની જવાબદારી અંગેનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

