Ahmedabad,તા.૮
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ (ઢોલિવુડ)માં એક સમાચારે સૌને ચોંકાવી દીધા છે. જીગ્નેશ કવિરાજ અને વિક્રમ ઠાકોર સાથે ફિલ્મોમાં કામ કરનાર ગુજરાતી અભિનેત્રી સુધા ત્રિપાઠીનું નિધન થયું છે. સુધા ત્રિપાઠીના આકસ્મિક નિધનના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે. તેણે વિક્રમ ઠાકોર સાથે સોરી સાજણા નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારે ફિલ્મ જગતમાં સુધા ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
ગુજરાતની ફિલ્મોમાં સુપરસ્ટાર અને જાણીતા ગુજરાતી ગાયક વિક્રમ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સુધા ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ મૂકી છે. યુવા અભિનેત્રીના મોતના કારણથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા છે. સુધા ત્રિપાઠીએ વિક્રમ ઠાકોર સાથે સોરી સાજણા ફિલ્મમાં અભિનય કર્યો હતો. તો સાથે જ તેણે અનેક ગુજરાતી આલ્બમ માટે પણ કામ કર્યું હતું.
વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર સુધા ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, ‘મારી ફિલ્મ ‘સોરી સાજણા’ના હીરોઇન અને ખૂબ સારા અભિનેત્રી એવા સુધા ત્રિપાઠી દેવલોક પામ્યા છે. ભગવાન એમની દીવ્ય આત્મા ને શાંતિ આપે. ૐ શાંતિ..’ તો દેવ પગલીએ લખ્યું કે, ‘ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે ખૂબ સારી આર્ટિસ્ટ, ખૂબ સારી ડાઈ છોકરી એટલે સુધા ત્રિપાઠી , આપણી વચ્ચે નથી રહી, બસ યાદો રહી ગઈ મિસ યુ સુધા. ભગવાન તારી આત્મા શાંતિ આપે એજ પ્રાર્થના.’
જોકે, આ માહિતી વચ્ચે યુવા અભિનેત્રી સુધા ત્રિપાઠીના મોતનું કારણ હજી સામે આવ્યું નથી. અભિનેત્રીનું મોત કયા કારણોસર થયું તેની સત્તાવાર કોઈ માહિતી મળી નથી. જોકે, સુધા ત્રિપાઠીના નિધનથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
સોશિયલ મીડિયા પર હાલ સુધા ત્રિપાઠીને તેના ચાહકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સૌ કોઈ માટે આ સમાચાર આઘાતજનક બની રહ્યાં છે. લોકો અભિનેત્રી સાથે તેની જૂની યાદો તાજી કરી રહ્યાં છે. એક ચાહકે લખ્યું કે, ખરેખર વિશ્વાસ જ નથી થઈ રહ્યો. ખૂબ જ સારી અભિનેત્રી અને ખૂબ જ સરળ સ્વભાવની સુધા ત્રિપાઠી હવે આપણી વચ્ચે નથી. ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે. તમે હંમેશા અમારા હૃદયમાં જીવશો. ઓમ શાંતિ

