New Delhi તા.19
દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એચડીએફસી બેંકમાં પાર્ટટાઈમ ચેરમેન અને સ્વતંત્ર ડિરેકટર અતાનુ ચક્રવર્તીએ રાજીનામુ આપતા જ બેંકીંગ ક્ષેત્રમાં જબરો ખળભળાટ મચી ગયો છે અને અતાનુના રાજીનામાની રિઝર્વ બેંકે પણ નોંધ લઈને પરીસ્થિતિ પર નજર હોવાનું જાહેર કર્યુ છે.
તો બીજી તરફ બેંકે તાત્કાલીક રીતે અતાનુ ચક્રવર્તીનું રાજીનામુ સ્વીકારીને તેના સ્થાને બેંકના પુર્વ સીઈઓ કેકી મીીને હાલ પાર્ટટાઈમ ચેરમેન બનાવ્યા છે પરંતુ આ પ્રકારે રાજીનામાથી એચડીએફસી બેંકના શેરમાં આજે આઠ ટકા જેટલો કડાકો થયો હતો અને તે 772 રૂપિયા જેવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
ગુજરાત કેડરના પુર્વ આઈએએસ અધિકારી અતાનુ ચક્રવર્તીએ નિવૃત થયા બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ નાણામંત્રાલયમાં અનેક જવાબદારી બજાવી છે અને 2021માં એચડીએફસી બેંકના એક સ્વતંત્ર ડિરેકટર તરીકે જોડાયા હતા.
બાદમાં પાર્ટટાઈમ ચેરમેન પણ બન્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ બેંકમાં કેટલીક પદ્ધતિથી અપસેટ હતા. બેંકની અંદર કેટલીક ઘટનાઓ અને કામકાજની પદ્ધતિ છેલ્લા બે વર્ષમાં મે જોઈ છે તે મારા વ્યક્તિગત અને નૈતિક મૂલ્યોને અનુરૂપ નથી તેમ કહીને તેઓએ રાજીનામુ આપી દેતા જ બેંક પર હવે કોર્પોરેટ ગવર્નનન્સના પ્રશ્નો ઉભા થઈ ગયા છે.
આ એ જ તબકકો છે કે જયારે એચડીએફસી હાઉસીંગ અને એચડીએફસી બેંક બંનેનું વિલીનીકરણ થયું હતું. આમ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકમાં સંચાલન પર પ્રશ્ન ઉભા થયા છે અને આગામી દિવસોમાં રિઝર્વ બેંક તેમાં તપાસ કરે તેવી પણ શકયતા છે.

