Jaipur,તા.30
જોધપુર સ્થિત રાજસ્થાન હાઈકોર્ટે શુક્રવારે એટીએમ ચોરીનાં કેસમાં બે આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે અને તેમને સામાજિક સેવા તરીકે વૃક્ષારોપણનો નિર્દેશ આપ્યો છે. આ બંને વ્યક્તિઓને આગામી 30 દિવસ સુધી દરરોજ પાંચ વૃક્ષો વાવવા અને તેની જાણ નજીકનાં પોલીસ સ્ટેશનમાં કરવા જણાવાયું છે. વન વિભાગને આ બંનેને મફતમાં છોડવા પૂરાં પાડવા માટે કહેવામાં આવ્યું છે.
જસ્ટિસ ચંદ્રપ્રકાશ શ્રીમાળીની સિંગલ બેન્ચે વારિસ ઉર્ફે લહકી અને ઉસ્માન ઉર્ફે અંધાની અરજી પર સુનાવણી કરતાં આ શરત મૂકી હતી. આ બંનેની ગેસ કટરનો ઉપયોગ કરી એટીએમ મશીન કાપીને ચોરી કરવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ શ્રીમાળીએ ભાર મૂક્યો હતો કે ફોજદારી ન્યાય પ્રણાલીએ સુધારણા અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તેમણે નોંધ્યું હતું કે “દરેક ગુનેગારનું ભવિષ્ય હોય છે.”
કોર્ટે કહ્યું, “આરોપીઓએ છોડની યોગ્ય સંભાળ રાખવી પડશે, જેમાં દરરોજ પાણી પીવડાવવાનો સમાવેશ થાય છે. શરતના પાલનના પુરાવા તરીકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફોટો અને વિડિયો પુરાવા સબમિટ કરવાના રહેશે.”
કોર્ટે જણાવ્યું હતું કે આવા પગલાં સમાજ અને પર્યાવરણમાં સકારાત્મક યોગદાન આપવાની સાથે “જવાબદારીની ભાવના” ને પ્રોત્સાહન આપે છે. કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 હેઠળની જોગવાઈઓનો ઉલ્લેખ કર્યો હતો, જે સામાજિક સેવાને સજાના એક સ્વરૂપ તરીકે માન્યતા આપે છે, અને તેના વ્યાપક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

