સંકલન ફાલ્ગુની વસાવડા
માનસ કબંધની સાત્વિક તાત્વિક ચર્ચામાં પ્રવેશ કરતાં કહ્યું કે, કબંધનો આ પ્રસંગ અરણ્ય કાંડ અંતર્ગત છે. ભગવાન જાનકી અને લક્ષ્મણ સાથે તેર વર્ષ ચિત્રકૂટમાં રહ્યાં. લલિત નરલીલા કરવા માટે અરણ્ય કાંડના આરંભમાં ભગવાન, ચિત્રકૂટથી પ્રસ્થાન કરી અત્રિનાં આશ્રમમાં આવે છે, અને ત્યારબાદ ગોદાવરી નદીનાં તટ પર પંચવટીમાં રહે છે. પંચવટીમાં પ્રભુ આનંદથી રહે છે, લક્ષ્મણજી ભગવાનને પાંચ આધ્યાત્મિક પ્રશ્ન પૂછે છે, ભગવાન રામ સીતાની હાજરીમાં લક્ષ્મણની જિજ્ઞાસાઓનું સમાધાન કરે છે. અહીં સુધીનો સમય મંગલમય છે, પણ ત્યાર પછી આસુરી વૃત્તિ શરૂ થાય છે, શૂર્પણખા આવે છે, લક્ષ્મણ દ્વારા દંડિત થાય છે, એ ખરદૂષણને ઉશ્કેરે છે, 14000 રાક્ષસો સાથે ખરદૂષણ ભગવાન રામ પર હુમલો કરે છે. ભગવાન રાક્ષસોને એકબીજામાં રામના દર્શન કરાવીને સૌને નિર્વાણ આપે છે! કોઈ સંતનું કહેવું છે કે હકીકતમાં ખરદૂષણ એ આપણા રાગ અને દ્વેષ છે, અને માનવીય વૃતિમાં જ્યારે અંદરો અંદર રામના દર્શન થાય ત્યારે આ બે વૃત્તિ ખતમ થાય છે. ભગવાન પતંજલિએ રાગ દ્વેષને ક્લેશ કહ્યાં છે. ખરદૂષણનાં વિનાશ પછી શૂર્પણખા રાવણ પાસે જાય છે, રાવણને ઉશ્કેરે છે. માણસોની બહુ મોટી વિડંબણા છે, કે સાચા માણસ સામે ખોટું બોલે, અને ખોટા માણસો સામે સાચું બોલે! શૂર્પણખા જ્યારે પંચવટીમાં આવી ત્યારે રામ- પરમ સત્ય, લક્ષ્મણ- પરમ જાગૃતિ, અને સીતા- પરમ પ્રેમ. એ ભગવાન રામ પાસે એટલે કે પરમ સત્ય પાસે અસત્ય બોલવા લાગી, કે તમારાં સિવાય દુનિયામાં કોઈ પુરુષ નથી, અને મારાં જેવી સ્ત્રી તો દુનિયામાં છે જ નહીં!: શૂર્પણખા વિવાહિત હતી, એના પતિને રાવણે મારી નાખ્યો હતો, એ વિધવા હતી, પરંતુ કહે છે હું કુંવારી છું! સતની સામે અસત. પરંતુ એ જ શૂર્પણખા રાવણની સભામાં રાવણ સામે સતનું ભાષણ કરે છે કે, રાવણ નીતિ વિના દુનિયામાં કોઈનું રાજ્ય ટકતું નથી, તું અનીતિ કરી રહ્યો છે. આવું કઈ રીતે સંભવ બને? પરંતુ દાદાજી કહેતાં કે લક્ષ્મણ જેવા જાગૃત પુરુષનો એને સ્પર્શ થઈ ગયો, લક્ષ્મણ એના નાક કાન કાપ્યા. ઈશ્વરને શોધવાની જરૂર નથી, પરંતુ કોઈ બુદ્ધ પુરુષને શોધો એનો સ્પર્શ થઈ જાય તો ઈશ્વર દર્શન થશે.
મનોવિજ્ઞાનનું એવું મંતવ્ય છે કે જો માણસ ચિંતા મુક્ત હોય તો, એ બારથી સાડા ત્રણ વાગ્યા સુધી પ્રગાઢ નિંદ્રામાં હોય છે. યોગીઓ પણ એમાં સુઈ જાય છે, પરંતુ એ સમયમાં જે જાગે એનું નામ સાહિબ છે! શું કામ જાગે છે! કોઈ ચિંતા છે એને? ના!; શંકરાચાર્યજીએ સાધન પંચક કહ્યું એ રીતે મેં મારી ગુરુમૂર્તિને જોઈ છે, એક જાગૃત મહાપુરુષનું મેં સતત સેવન કર્યું છે એમાંથી હું ભજન પંચકને પામ્યો છું. પાંચ પ્રકારનું ભજન જેનું હોય એ હરપલ જાગતા રહે છે! ચિંતાઓ આવે છે, પરંતુ અંદર ઘુસી શક્તિ નથી, કેમકે એ માણસ જાગી રહ્યો છે. ક્રોધ આવે પરંતુ એને ડિસ્ટર્બ નથી કરતો, એ માણસ જાગી રહ્યો છે. કામ આવે પરંતુ બાધા ઊભી નથી થતી, કેમ કે માણસ જાગી રહ્યો છે. પ્રલોભન અને સમૃદ્ધિઓનો ઢગલો થાય, પરંતુ એને વિક્ષેપ નથી કરી શકતા નથી, કેમકે એ માણસ જાગી રહ્યો છે. આંખના પલકારે પલકારે ભજન ચાલે, માણસ એક મટકું પણ મારે નહીં. બીજું એક રાગમાં ભજન ચાલે, એટલે કે માળાનાં મણકા ભજન કરે. ત્રીજું ડગલેને પગલે ધબકે ધબકે એક એક કદમ પર જેનું ભજન ચાલે. ચોથું હૃદયનો એક એક ધબકારો રામ સ્મરણ કરે, પાંચમું શ્વાસે શ્વાસે ભજન થતું હોય, આવું ભજન પંચક છે. એવો કોઈ બુદ્ધ પુરુષ જગને ખાતર જાગે છે, જે પ્રગાઢ નિંદ્રાનાં કાળમાં પણ જાગતો રહે છે.
શૂર્પણખાનાં કહેવાથી રાવણ જાનકીના અપરણ કરવા માટે તૈયાર થાય છે, અને રાવણ યોજના કરી, પરંતુ એ પહેલા પ્રભુએ યોજના કરી લીધી હતી. જાનકી અને રામજી એકલા બેઠા હતાં, લક્ષ્મણજી ફળફૂલ લેવાં માટે વનમાં ગયાં એ વખતે માનસમાં તુલસીએ પ્રભુનું નિવેદન લખ્યું છે.
તુમ્હ પાવક મહું કરહું નિવાસા,
જૌ લગી કરો નિસાચર નાસા,
સુનહું પ્રિયા વ્રત રુચીર સુસીલા,
મેં કછુ કરબિ લલિત નર લીલા.
પ્રભુએ જાનકીને કહ્યું કે અગ્નિમાં સમાઈ જાઓ. ભગવાનની 14 વર્ષ જે લીલા ચાલી એમાં પ્રત્યેક દિવસની પ્રભુની લીલાની ખબર રોજ અયોધ્યા પહોંચતી હતી! કે આજે પ્રભુ એ શું કર્યું, અને એ રીતે જાનકીની અગ્નિમાં સમાઈ જવાની લીલા પણ અયોધ્યા પહોંચી, અને ગુરુ વશિષ્ઠ દ્વારા આ ચિઠ્ઠી જ્યારે વાંચવામાં આવી ત્યારે દરેકની આંખમાં આંસું આવી ગયાં.
માણસ કબંધ આપણાં કેન્દ્રમાં છે, કબંધ એટલે શું? એક સાધુ કહે છે ‘ક’ એટલે કઠોર અને બં એટલે બંધન, કઠોર બંધનને કબંધ કહે છે. આપણે કોઈ પર કઠોર બંધન નાખીએ તો આપણે કબંધ! જગતમાં કઠોર વસ્તુઓ કંઈ છે? વ્યાસપીઠની નજરમાં લાકડું કઠોર છે! પણ પત્થર એનાથી પણ કઠોર છે! અને પત્થરથી પણ કઠોર લોઢું છે! લોઢાથી પણ કઠોર ઈન્દ્રનું વજ્ર, અને અતિ કઠોર સંવેદનમુક્ત માનવ મન. હું કોઈનું નામ નહીં લઉં! પણ જેની પર સમાજની જવાબદારી છે, એ લોકો કેટલાં સંવેદન શૂન્ય થઈ ચૂક્યાં છે! રામચરિત માનસ દબાયેલી, બુઝાયેલી સંવેદનાનાં ચિરાગ પ્રગટાવવાનું કાર્ય કરે છે.
શબરી કેં આશ્રમ પગુ ધારા! રામ ઘણાં આશ્રમોમાં ગયાં, પરંતુ અહીં કે પર અનુસ્વાર મુક્યો છે, કોઈ વિશેષ સંકેત છે, આશ્રમની વિશેષતા દર્શાવવા માટે! કોઈ સ્ત્રીને બાળક ન્હોય તો એ વાંજીયાપણું છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જિંદગી પૂરી થઈ ગઈ, છતાં આંગણામાં કોઈ સાધુ આવે નહીં તો એ આંગણું વાંઝિયુ છે. જેમાં હરિને યાદ કરીને આંસુ આવે નહીં, કોઈની પીડા જોઈને સંવેદના ફૂટે નહીં, કોઈની મદદ માટે પગ ઉપડે નહીં, તો એ પગ પંગુ છે. કથાનું પરમ સત્ય સાંભળવા માટે કાનથી જોવું પડે છે, અને આંખથી સાંભળવું પડે છે. જ્યાં સુધી માણસની ઇન્દ્રિય નહીં બદલે, ત્યાં સુધી કથાનો રસ નહીં આવે, ભગવત કથા ગાવા માટે જીભ નથી ચાલતી કોઈ બુદ્ધ પુરુષની વાણી ચાલે છે.
કબંધ એટલે કઠોર બંધન,બંધનના ત્રણ પ્રકાર છે, એક બંધન માયાનું, જેમાં આપણે સૌ બંધાયેલા છીએ. બીજું બંધન કાયાનું, અલબત્ત આત્મા સ્વતંત્ર છે, છતાં પણ જડ ચેતનની ગ્રંથી મુજબ એ બંધન છે! અને ત્રીજું બંધન છે કલ્પનાનો પ્રાસ બેસાડવા માટે ત્રીજું બંધન છાયાનું, એટલે મૃગજાળનું! જે છે નહીં એની પાછળની આપણી દોડનું બંધન. તો આ ત્રણ પ્રકારના બંધનને સંબંધ કહે છે.
એક કથા તો એવી છે કે દુર્વાસાએ ક્રોધને કારણે કબંધનું મસ્તક કાપી નાખ્યું હતું. ઉપનિષદનું ખૂબ જ મહિમાવત સૂત્ર છે કે, અતિ પ્રશ્ન કરે, એનો મસ્તક કાપી નાખવામાં આવશે. એટલે કે બુદ્ધપુરુષ મસ્તક કાપશે નહીં, પરંતુ એ વિચારશે કે એની પાસે ધડ જ છે, મસ્તક છે જ નહીં, મસ્તક હોય તો એમાં વિવેકી બુદ્ધિ પણ હોય!’ કબંધના પાત્રમાંથી આપણે એટલી જ પ્રેરણા લેવાની છે કે, આપણે કબંધ ન બનીએ! પણ કદંબ બનીએ, કે જેની શાખા પર ક્યારેક કૃષ્ણ આવીને બેસશે, પ્રેમની ઘણી વૃતિઓ છે, એનું આવરણ ભગવાન ઉઠાવીને લઈ જાય, અને આપણે ધન્ય થઈએ. રામાવતારમાં પાંચ વૃક્ષ સંત છે, પીપળો, આંબો, જાંબુ, વટવૃક્ષ, અને લીમડો! જ્યારે કૃષ્ણાવતારમાં કદંબ સાધુ ચરિત છે. કથાના ક્રમમાં રામનામ મહિમાનું ગાન કરી બીજા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

