શારીરિક-માનસિક ત્રાસ, મારપીટ અને વોશિંગ મશીન-ટીવીની માંગણીનો આક્ષેપ; જામનગરના મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagarમાં રહેતી એક પરિણીતાએ જૂનાગઢમાં રહેતા પોતાના પતિ, સાસુ અને સસરા સામે લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવો, મારપીટ કરવી અને દહેજની માંગણી કરવાના આક્ષેપો સાથે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ ૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી મીનાઝબેન તુફેલશાહ શાહમદારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના નિકાહ તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ જુનાગઢ નિવાસી તુફેલશાહ મુનીરશાહ શાહમદાર સાથે મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્નના અંદાજે છ મહિના બાદથી પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો આપવી, મારપીટ કરવી અને પત્ની તરીકે સ્વીકાર ન કરવાની વાતો કહી શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સસરા પણ ઝઘડા કરી અપશબ્દો બોલતા હતા, જ્યારે સાસુ પતિને ફરિયાદી વિરુદ્ધ ચડામણી કરતા હતા તેમજ ઘરકામના મુદ્દે ઝઘડા કરી પિયર તરફથી વોશિંગ મશીન અને ટીવી લાવવાની માંગણી કરતા હતા. પિયરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ફરિયાદી માંગણી પૂરી કરી શક્યા ન હોવાનું પણ જણાવાયું છે. ફરિયાદમાં સાસુએ પોતાના સોનાના દાગીના વેચી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આશરે ચૌદ મહિના અગાઉ થયેલા ઝઘડા બાદ ફરિયાદીએ પોતાના પિતાને બોલાવી પિયર જવાનું પસંદ કર્યું હતું. ત્યારથી પતિ કે સાસરિયાઓએ કોઈ સમાધાનનો પ્રયાસ કર્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અગાઉ મહિલા પોલીસ મથક અને પોલીસ અધિક્ષકને અરજી કરવામાં આવી હતી, પરંતુ સમાધાન ન થતાં આખરે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે પતિ, સાસુ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

