(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
જામજોધપુર તાલુકાના વરવાળા ગામે એક યુવાને પત્ની સાથેના અણબનાવ અને માનસિક વ્યથાના કારણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જામજોધપુર પોલીસ મથકમાં બીએનએસએસ કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે.આ બનાવ તા. ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે અંદાજે ૭૦૦ થી ૯૦૦ વાગ્યાની વચ્ચે વરવાળા ગામના પાટિયા પાસે આવેલા બસ સ્ટેન્ડ પાછળની વિરડી વિસ્તારમાં બન્યો હતો.
મૃતકની ઓળખ મનસુખભાઈ ગીગનભાઈ હુણ (ઉ.વ. ૨૬), રહે. વરવાળા ગામ, તા. જામજોધપુર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકની પત્ની સાથે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. પત્ની રિસાઈને પિયર જતી રહી હતી અને પરત ન ફરતાં મનસુખભાઈ માનસિક રીતે વ્યથિત થઈ ગયા હતા.આ પરિસ્થિતિથી કંટાળી જઈ અને નિરાશામાં આવી તેમણે પોતાની જાતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ અંગે મૃતકના પિતા ગીગનભાઈ અમરાભાઈ હુણ (ઉ.વ. ૫૦), રહે. વરવાળા ગામે જાણ કરતાં જામજોધપુર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ એ.એસ.આઈ. આર.એ. વાઘ ચલાવી રહ્યા છે.

